વડોદરા ફાયર બ્રિગેડનું 6 કલાક રેસ્ક્યૂઃજવાનોએ કહ્યું સ્થિતિ દર્દનાક હતી,લાકડું કે ડેડબોડી સમજવું મુશ્કેલ હતું
સૌથી જોખમી કામગીરી હોસ્ટેલની હતી,ગરમ લ્હાય જેવું બિલ્ડિંગ નમી ગયું હતું અને પોપડા ખરી રહ્યા હતા
વડોદરાઃ અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પણ છ કલાક સુધી રેસ્કયૂની કામગીરી કરી હતી.જેનું વર્ણન સાંભળતાં રુંવાડા ખડાં થઇ જાય તેમ છે.
લંડન જતા બોઇંગ વિમાન ક્રેશનો મેસેજ મળતાં જ વડોદરા ફાયર બ્રિગેડના ૧૨ વાહનો લઇ ૬૦ જવાનો અને અધિકારીઓ દોઢ કલાકે પહોંચ્યા હતા.આ વખતે અમદાવાદ અને અન્ય ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઇ લીધી હતી.જેથી વડોદરા ફાયરની ટીમો કાટમાળ નીચેથી મૃતદેહોને શોધવાની કામગીરીમાં જોડાઇ હતી.
જવાનોએ પહેરેલા શૂટ તેમજ આગ લાગવાથી અનેક જગ્યાએ વરાળ નીકળતી હોવાથી અસહ્ય ગરમી વચ્ચે કામગીરી કરવી પડી હતી.જે દરમિયાન મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ હતા.બળેલા લાકડાં અને મૃતદેહ સરખા જ દેખાતા હતા.કોઇના પણ બંગડી તો કોઇના પર ચેન દેખાતા હતા.ફાયર બ્રિગેડે ૧૫ જેટલા મૃતદેહ બહાર કાઢ્યા હતા.પરંતુ આ કામગીરી ખૂબ જ દર્દનાક હતી.
વળી,હોસ્ટેલની બિલ્ડિંગ નમી ગઇ હતી અને સર્ચ કરતી વખતે મોટા પોપડા ખરી રહ્યા હતા.તેમ છતાં જવાનોએ જાનના જોખમે કોઇ ફસાયું છે કે કેમ તેનું સર્ચ કર્યું હતું.