Surat News : સુરતના પલસાણામાં 1 સપ્ટેમ્બરે સાંજના સમયે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મિલમાં રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં 2 શ્રમિકોના મોત અને 15થી વધુ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે. ત્યારે મૃતકોના પરિવારજનો ઉઘના ખાતે એકઠા ઘટના મામલે વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના પલસાણામાં જોળવાની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઘટનામાં મત્યુઆંક 5 થતાં મૃતકોના પરિવારજનો ઉઘના ખાતે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પરિવારજનોનું કહેવું છે કે, 'દુર્ઘટનામાં મિલના સંચાલકની ઘોર બેદરકારી જવાબદાર છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
શું હતી સમગ્ર ઘટના?
સુરતના પલસાણામાં 1 સપ્ટેમ્બરે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં શરૂ કામગીરી દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટ્યું હતું. જેને લઈને મિલમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકા બારડોલી ફાયર વિભાગ અને 8થી 10 ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 2 શ્રમિકોના મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત થયાં હોવાનું સામે આવ્યું હતું.


