Gujarat

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દોડધામ

By GS TEAM
3 Jun 20261 min read
TukuTouch Logo
ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી જઈ કામગીરી હાથ ધરી : લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિનું ફાયર ટીમે કર્યું સફળ રેસ્ક્યૂ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દોડધામ

Jamnagar Fire : જામનગર શહેરના ક્રિકેટ બંગલા સામે આવેલા માધવ સ્ક્વેર બિલ્ડિંગમાં આજે સવારે મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જ્યારે લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યૂ કામગીરી પાર પાડી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે 09:42 કલાકે કંટ્રોલ રૂમમાં પ્રતીકભાઈ સોની દ્વારા ફોન કરી માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે મેઈન મીટર બોક્સમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો અસરગ્રસ્ત બન્યો હતો. સલામતીના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન બિલ્ડિંગની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયાની માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કામગીરી પૂર્ણ કર્યા બાદ ટીમ મેઇન ફાયર સ્ટેશન પર પરત ફરી હતી.