સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર
- 4 શહેરના ફાયરબ્રિગેડે 7 કલાકે આગ પર કાબૂ મેળવ્યો
- દુકાનના પ્રથમ માળેથી આગ બીજા માળે પ્રસરી : પ્લાયવૂડ, લાકડાંની વસ્તુ બળીને ખાક
સોજીત્રા શહેરના નવા ઘરા નજીક શ્રી નીલકંઠ ટ્રેડર્સ નામની રાધેશ્યામ પટેલની હાર્ડવેરની દુકાનમાં ગઈકાલ રાતે ૧૦ વાગ્યે અચાનક આગ લાગી હતી. દુકાનમાં પ્લાયવુડ તથા લાકડાની સીટો સહિતનો સર સામાન ભર્યો હોવાથી થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા ફેલાતા સ્થાનિકોના ટોળા ઉમટયા હતા. જાણ થતા સોજીત્રા ફાયર બ્રિગેડની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. દુકાનમાં લાકડાનો સામાન હોવાથી દુકાનના પ્રથમ માળેથી બીજા માળ સુધી આગ પ્રસરી હતી. જેથી મેજર કોલ જાહેર કરી આણંદ, બોરસદ અને પેટલાદ ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. સતત પાણીનો મારો ચલાવી સાત કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના કારણે દુકાનમાં મુકેલો સર સામાન બળીને ખાક થઈ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગ લાગવા પાછળનું સચોટ કારણ જાણી શકાયું નથી પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સકટના કારણે દુકાનમાં આગ લાગી હોવાની શક્યતા છે.