દાંડિયાબજારમાં ફૂટવેરના ગોડાઉનમાં આગ લાગી
આગ દુકાન સુધી જતા સ્ટાફ અને ગ્રાહકો બહાર દોડી આવતા બચાવ
વડોદરા,દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા ફૂટવેરના ગોડાઉનમાં ભરબપોરે આગ લાગતા અફરા તફરી સર્જાઇ હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરે દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક ફૂટવેરની દુકાનની બાજુમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં લાગેલી આગ દુકાન સુધી પહોંચતા દુકાનમાં હાજર સ્ટાફ અને ગ્રાહકો તરત જ બહાર નીકળી ગયા હતા. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફે ઉપરોક્ત સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. અડધો કલાક સુધી ચાલેલી કામગીરીના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે તણખા ઉડતા આગ ફેલાઇ હતી. ફાયરબ્રિગેડના દિગ્વિજયભાઇએ જણાવ્યું હતું કે, દુકાનમાં અને ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઇતા હતા. પરંતુ, દુકાનની નીચેના ભાગે હતા. જે અંગે દુકાન માલિકને તાકીદ કરી હતી.