બિઝનેસ પાર્ક પાસે ફ્રેન્કી સ્ટેશનના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ
ગાંધીનગર નજીક રાયસણ પીડીઇયુ માર્ગ ઉપર
મોડીફાઇડ કરીને બનાવેલ ફ્રેન્કી સ્ટેશનનો કારીગર કૂદી ગયો ઃ સદનસીબે જાનહાની ટળી
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાલ વાહનોમાં
ગેરકાયદેસર રીતે મોડીફાઇડ કરીને તેમાં રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવતી હોય છે ત્યારે
તેના કારણે ઘણી વખત આગ અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. ગઈકાલે રાત્રે ગાંધીનગર
શહેર નજીક આવેલા રાયસણ પીડીપીયુ માર્ગ ઉપર બિઝનેસ પાર્ક નજીક મોડીફાઇ કરેલા
વાહનમાં ઊભી કરવામાં આવેલા ફ્રેંકી સ્ટેશનમાં ગેસ સિલિન્ડરની અંદર આગ લાગી ગઈ હતી.
આ ફ્રેન્કી સ્ટેશનમાં રાજસ્થાનનો રાહુલ મસાર નામનો કારીગર કામ કરતો હતો. રાત્રે
લગભગ ૯ વાગ્યાના અરસામાં કારીગરે ધંધો શરૃ કરવા માટે ગેસ સિલિન્ડરને સગડી સાથે
જોડયા હતા. તેણે લાઈટર વડે સગડી ચાલુ કરી કે તરત જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં
આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું અને આખું ફ્રેન્કી સ્ટેશન ભડભડ સળગવા લાગ્યું
હતું .આ જોઈને કારીગર ગભરાઈને બૂમો પાડતા ગાડીમાંથી કૂદીને બિઝનેસ પાર્કમાં ભાગી
ગયો હતો.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. બીજી બાજુ આ આગની ઘટનાને પગલે ગાંધીનગર
ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાફલો થર્ડ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો
ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ
જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનોમાં કોઈપણ મંજૂરી વગર ઊભી કરવામાં આવતી આ
પ્રકારની રેસ્ટોરન્ટ જોખમી સાબિત થાય તેમ છે.