Get The App

ભાવનગરના કાલુભા રોડ પર કોમ્પલેક્સમાં આગ લાગતાં અફરાતફરી, 19ને બચાવાયા

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરના કાલુભા રોડ પર કોમ્પલેક્સમાં આગ લાગતાં અફરાતફરી, 19ને બચાવાયા 1 - image

Bhavnagar Fire News :  ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે લાગેલી ગંભીર આગને કાબૂમાં લેવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં 3-4 હોસ્પિટલો આવેલી છે, જેમાં એક બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થતો હોવાથી ભારે દોડાદોડી થઈ ગઈ હતી.

સમીપ કોમ્પ્લેક્સમાં આગ અને રેસ્ક્યૂ કામગીરી

ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, કોમ્પ્લેક્સના બેઝમેન્ટ (પાર્કિંગ)માં આગ લાગી હતી અને ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગયો હતો. આ કોમ્પ્લેક્સમાં આવેલી નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એડમિટ બાળકોને બચાવવા માટે ફાયર બ્રિગેડે ઝડપી અને હિંમતભરી કાર્યવાહી કરી હતી. પહેલા માળે હોસ્પિટલની બારીનો કાચ તોડીને સીડી મૂકીને બાળકો સહિત લગભગ 19-20 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

તપાસ અને અધિકારીઓના નિવેદનો

ભાવનગર મનપા કમિશનરે જણાવ્યું હતું કે આગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં લાગી હતી, અને તેના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થઈ હતી, જેથી તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. કમિશનરે ખાતરી આપી હતી કે આગ લાગવાના ચોક્કસ કારણની યોગ્ય તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું હતું. ઘટના બાદ તકેદારીના ભાગરૂપે સમગ્ર કોમ્પ્લેક્સને ખાલી કરાવવામાં આવ્યું છે. આગ બુઝાવવાની કામગીરીમાં 5 ફાયર ફાઇટર અને 50 થી વધુ કર્મચારીઓ લાગ્યા હતા.