જૂનાગઢ મનપાની બેદરકારીથી આગ ભભૂકી : 3એ જીવ ગુમાવ્યા, 3 ગંભીર
મનપાનાં JCBએ લાઈન ભાંગી નાખી ને ગેસ લીકેજ થયો : 6 દુકાનો, 8 બાઈક આગની લપેટમાં આવી ગયાં : આગની દુર્ઘટનાથી મનપાના શાસકો પર ફિટકાર
જૂનાગઢ, : જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પર વરસાદી પાણીના નિકાલ માટેના પાઈપ નાખવા માટે મનપાનું જેસીબી ખાડો ખોદતું હતું. જે ખાડો ખોદતા હતા ત્યાં ટોરેન્ટ ગેસની લાઈન હતી. લાઈનમાં બેદરકારીપૂર્વક જેસીબીનું બકેટ મારી દેવામાં આવતાં લાઈન તૂટી ગઈ હતી અને તેમાંથી ગેસ લીકેજ શરૂ થઈ જતાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ત્રણનાં કમકમાટીજનક મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. મનપાએ ગેસ કંપનીને જાણ કર્યા વગર આડેધડ કરેલાં ખોદકામના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડયો છે.
શહેરના ઝાંઝરડા ચોકડી પર સાત દિવસ પહેલા ખોદેલા ખાડાનું કામ અધુરૂ રાખી દેવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિક લોકો ત્રાહિમામ થઈ જતા તેણે નગરસેવકો તથા મનપાને જાણ કરી હોવાથી આજે અધુરૂ કામ કરવા માટે જેસીબી મોકલી દેવામાં આવ્યું હતું. જેસીબીના ચાલકે કોઈપણ વિભાગના અધિકારી કે જવાબદારોની હાજરી વગર ખોદકામ ચાલુ કરતા ગેસની લાઈનને જેસીબીનું બકેટ મારી દેતા અચાનક લાઈન તૂટી જતા તેમાંથી પ્રેશર સાથે ગેસ લીકેજ થવાનું શરૂ થઈ ગયું હતું. ગેસ લીકેજ થઈ રહ્યો હતો ત્યારે તેનાથી દસેક ફૂટ દૂર ગાંઠિયાની લારી હતી. લારીમાં ગાંઠિયા બનાવવામાં આવતા હતા. લીકેજ થયેલો ગેસ સીધો ગાંઠિયાની લારીના ચુલા પાસે પહોંચી જતા આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
ભાડે દુકાન રાખી દુકાનની બહાર ગાંઠિયાની લારી રાખનાર શૈલેષભાઈ સોલંકી આગની લપેટમાં આવી ગયા હતા. આગ બેકાબૂ બની એક બાદ એક દુકાનોમાં પ્રસરવા લાગી હતી. દુકાનની બહાર પડેલા મોટરસાઈકલ પણ આગની લપેટમાં આવી ગયા હતા. શૈલેષભાઈ દુકાનની બહાર લારીમાં ગાંઠિયા બનાવતા હતા ત્યારે આગ ફાટી નીકળતા તેમણે દુકાનમાં રહેલા તેમના પત્ની રૂપાબેન અને તેમની અઢી વર્ષની પુત્રી ભક્તિ તથા નાસ્તો કરવા આવેલા ગ્રાહક હરેશભાઈ રાબડીયાને આગથી બચાવવા દુકાનનું શટર બંધ કરી પોતે દાઝેલી હાલતમાં ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ આગ શૈલેષભાઈની દુકાનની આસપાસની ચાર દુકાનોમાં ફેલાઈ ગઈ હતી અને શૈલેષભાઈની દુકાનનું શટર બંધ કર્યું હોવા છતાં આગ દુકાનમાં ઘૂસી ગઈ હતી.
આસપાસની દુકાનોમાં લાગેલી આગ, ગેસની ગુંગળામણ, દુકાનની અંદર ઘૂસી ગયેલી આગના કારણે અંદર રહેલા શૈલેષભાઈના પત્ની, પુત્રી અને ગ્રાહકનું મોત થઈ ગયું હતું. ઝાંઝરડા ચોકડીએ પોલીસ ચેકપોસ્ટ નજીકનાં કોમ્પ્લેક્સમાં આવેલી પ, ૬, ૭, ૮, ૯ અને ૧૦ નંબરની દુકાનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગના કારણે દુકાનમાં રહેલો ખાણીપીણોનો સામાન, ફ્રિઝ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આમ કુલ ૬ દુકાનો તથા ૮ મોટરસાઈકલ બળી ગયા હતા.
ગાંઠિયાની લારીએ નાસ્તો કરવા આવેલા ગ્રાહકે જીવ ગુમાવ્યો, એક રાહદારી લપેટમાં આવી જતાં દાઝ્યા: આગ પ્રસરીને નજીકની પાનની દુકાને પહોંચી અને... સળગતી હાલતમાં હિંમતપૂર્વક યુવાન હોસ્પિટલે પહોંચી ગયો
જૂનાગઢ, : આગ પ્રસરવા લાગી ત્યારે શૈલેષભાઈની દુકાન નજીક આવેલ દાતાર પાનની દુકાનમાં આગ લાગતાં દુકાનના સંચાલક પિયુષભાઈ પણ આગની લપેટમાં આવી ગયા હતા. જો કે, તે હિંમતપૂર્વક આગમાંથી બહાર નીકળી શરીરે ગંભીર ઈજા હોવા છતાં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલે દોડતા-દોડતા પહોંચ્યા હતા.
મૃતક હરેશભાઈ રાબડીયા મૂળ ગોલાધર ગામના વતની છે અને હાલ શહેરના જોષીપરા વિસ્તારમાં રહે છે. હરેશભાઈ ઝાંઝરડા ચોકડી ખાતે શૈલેષભાઈની રેકડીએ ગાંઠિયા ખાવા આવ્યા હતા. ગાંઠિયા ખાઈ રહ્યા હતા ત્યારે આગની લપેટમાં આવી જતા તેણે જીવ ગુમાવવો પડયો છે. હરેશભાઈનો પુત્ર કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી વેટરનરી કોલેજમાં નોકરી કરે છે. તેને જાણ થતા તેને ગંભીર આઘાત લાગ્યો હતો, જ્યારે ગોલાધરના વતની નથુભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેને પણ આગે ઝપટમાં લઈ લીધા હતા.
ઈજાગ્રસ્ત પિયુષભાઈને જૂનાગઢની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જ્યારે નથુભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને શૈલેષભાઈને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.