ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું
વડોદરાઃ ફતેપુરા વિસ્તારમાં આજે સવારે ગેસ લીકેજ થતાં આગ લાગી હતી.જેને કારણે વીજ મીટર સહિતની ચીજોને નુકસાન થયું હતું.
ફતેપુરા કોયલી ફળિયા વિસ્તારમાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ લીકેજ થતાં આગ લાગી હતી.જેને પગલે નાસભાગ મચી હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ ગેસ વિભાગની ટીમો આવી ગઇ હતી અને લીકેજ કાબૂમાં લઇ સ્થિતિ સંભાળી હતી.ઉપરોક્ત વિસ્તારમાં સાંકડી પોળ હોવાને કારણે ફાયર બ્રિગેડને પહોંચતા અડચણ પડી હતી.જેથી ફાયર બ્રિગેડે રોડ પર ફાયર ફાઇટર પાર્ક કર્યું હતું અને દોડીને સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લીધી હતી.