Get The App

અમદાવાદના ISROમાં ભીષણ આગ લાગતા દોડધામ, મહત્ત્વનો ડેટા ખાક થયાની આશંકા

Updated: Oct 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના ISROમાં ભીષણ આગ લાગતા દોડધામ, મહત્ત્વનો ડેટા ખાક થયાની આશંકા 1 - image


Fire in Indian Space Research Organisation Ahmedabad : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આજે એક મોટી ઘટના બની હતી. કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ISRO પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આ બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ટેન્કર ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઇટર્સે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગના કારણે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે, જેમાં અનેક કમ્પ્યુટર અને કિંમતી ઉપકરણો નાશ પામ્યા છે. જે સર્વરોમાં આગ લાગી હતી તેમાં મહત્ત્વપૂર્ણ ડેટા હોવાનું કહેવાય છે. હાલમાં નુકસાનના ચોક્કસ પ્રમાણનું આકલન ચાલી રહ્યું છે.

2018માં પણ ISRO SACમાં બની હતી ઘટના

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે વર્ષ 2018માં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શંકા હતી. તે દુર્ઘટનામાં એન્ટેના ટેસ્ટ સુવિધામાં આગ લાગવાથી કેટલાક ખાસ ઉપકરણોને નુકસાન થયું હતું અને એક CISF ગાર્ડના શ્વાસમાં ધૂમાડો ઘૂસી જતાં તબિયત લથડી હતી.


Tags :