Gujarat

મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી

By GS TEAM
14 Feb 20261 min read
મુળી હાઈવે પર શેખપર નજીક કોટન જીનમાં આગ લાગની અફડાતફડી

- ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

- ફાયર વિભાગની સમયસૂકતાથી જાનહાનિ ટળી પરંતુ તૈયાર ગાંસડીઓ બળીને ખાખ થતા વ્યાપક નુક્સાનનું અનુમાન 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી હાઈવે પર શેખપર ગામના પાટિયા પાસે આવેલી ડી.એમ. કોટન જીનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જીનમાં સંગ્રહિત ખેડૂતો પાસેથી ખરીદાયેલો કપાસ અને તૈયાર કરેલી રૂની ગાંસડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. 

આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખો રૂપિયાની કિંમતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે જીન માલિકને મોટા પાયે આથક નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગના બનાવની જાણ થતાં જ સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરાતી અટકાવી કાબૂમાં લીધી હતી. 

પ્રાથમિક તપાસમાં શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જીનમાં રહેલો મોટો જથ્થો ખેડૂતો પાસેથી સીધો ખરીદવામાં આવ્યો હતો. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા નુકસાનીનો ચોક્કસ આંકડો મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.