બે ટ્રક અથડાયા બાદ આગ લાગી, બાવળાના ચાલકનું મોત

- ખેડા- ધોળકા રોડ પર ગાંધીપુરા પાસે
- ફાયર બ્રિગ્રેડે આગ પર કાબુ મેળવ્યો, મૃતદેહને પીએમ માટે ખસેડયો, પોલીસે ગુનો નોંધ્યો
ખેડા -ધોળકા રોડ પર ગાંધીપુરા પાસે સુરેશ બામણીયા ટ્રક લઇને પસાર થઇ રહ્યાં હતા. તે દરમિયાન આવેલો ટેમ્પાએ અચાનક ડિવાઇડર કૂદીને સાઇડમાં આવી ગયો હતો. આ ટેમ્પો સુરેશભાઇની ટ્રકના ડિઝલ ટેન્ક સાથે અથડાયો હતો. ડીઝલ ટેન્ક લીક થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ વિકરાળ હોવાથી બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં ટેમ્પો ચાલક બીજલભાઇ ભરવાડ( રહે. બાવળા) બહાર નિકળી શક્યા ન હતા અને તેઓ આગમાં ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં ખેડા અને નડિયાદ ફાયર બ્રિગ્રેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને લઇ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઇને પીએમ માટે મોકલ્યો છે. આ મામલે ખેડા ટાઉન પોલીસે સુરેશભાઇ બામણીયાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









