VIDEO: સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા
Surat News : સુરતના પલસાણામાં જોળવાની મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. સંતોષ ટેક્સટાઈલ મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 15 થી વધુ કામદારો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મિલમાં ડ્રમ ફાટતા 2ના મોત
મળતી માહિતી મુજબ, સુરતના પલસાણામાં આજે સોમવારે (1 સપ્ટેમ્બર) સાંજના સમયે સંતોષ ટેક્સટાઈલ નામની મિલમાં શરૂ કામગીરી દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટ્યું હતું. જેને લઈને મિલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મિલમાં રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જણાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ
સમગ્ર ઘટનાને પગલે સુરત મહાનગર પાલિકા બારડોલી ફાયર વિભાગ અને 8થી 10 ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે મિલમાં ફસાયેલા કામદારોને પોલીસ અને અન્ય લોકોની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ છે. દુર્ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.