અણીયારી નજીક પેપરમિલમાં લાગેલી આગ 20 કલાક બાદ 70 ટકા જેટલી કાબુમાં આવી
અંદાજે ૧૨ હજાર ટનથી વધુ પેપર ભસ્મીભૂત
મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની સાતથી વધુ ફાયરની ટીમોએ ૨૦ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો
હળવદ - હળવદ-માળીયા હાઇવે પર આવેલી અણિયારી ટોલનાકા નજીક લિમિટ પેપરમિલમાં રવિવારે સાંજે આગ લાગી હતી અને આગે પળવારમાં ભયાવહ સ્વરૃપ ધારણ કરી લેતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મોરબી, હળવદ ઉપરાંત ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ધ્રોલ અને રાજકોટની સાતથી વધુ ફાયરની ટીમોએ ૨૦ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મહદ અંશે કાબૂ મેળવી લીધો હતો,
હળવદ માળીયા હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલી લેમિટ પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં રવિવારે સાંજે ૪ વાગ્યે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેતા મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, સુરેન્દ્રનગરની એક-એક ફાયર ટિમને બોલાવી હાલ ૭ ટિમો પાણીનો મારો ચલાવી રહી હોવા છતાં આગ હજુ ૭૦ ટકા જ કાબુમાં આવી છે.
હાલ આ આગ બુઝાવવાની જવાબદારી રિજનલ ફાયર ઓફિસર રાહુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હળવદના ફાયર ઓફિસર રોહિત મહેતાને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે આગ ૭૦ ટકા કાબુમાં છે. કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ હવે વધુ ફેલાઈ એવી પરિસ્થિતિ નથી. જથ્થો વધુ છે એટલે કામગીરી લાંબો સમય ચાલશે. રાત સુધીમાં ૭૦ ટકા જેટલુ કામ થઈ ગયુ છે. ૨૦૦ મિટરનો શેડ છે. તેમાં મોટી સંખ્યામાં જથ્થો મુકેલો હતો. જેથી આ આગ ખૂબ વિકરાળ હતી એટલે આગ બુઝાવવાનું કામ પુરજોશમાં ચાલુ છે.
ગોડાઉનમાં વેસ્ટ પેપરનો અંદાજે ૧૨ હજાર ટન જેટલો જથ્થો પડયો હતો અને આગ વિકરાળ બની હોવાથી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ ૨૦ કલાકે મહદઅંશે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં ફેક્ટરીને કેટલું નુકશાન થયું છે તે હાલ સ્પષ્ટ થયું નથી. હજુ ફાયર ટીમ વિવિધ કામગીરી કરી રહી છે.