Gujarat

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા

By GS TEAM
22 May 20262 mins read
TukuTouch Logo
ડમ્પિંગ સાઇટની આગ પર કાબૂ મેળવવામાં ફાયર તંત્રને આંશિક સફળતા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા

Jamnagar Fire : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ડમ્પિંગ પોઈન્ટ સાઇટ પર લાગેલી આગને બુઝાવવાની કામગીરી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી સળગી રહેલા કચરાના વિશાળ ઢગલાઓમાંથી નીકળતા ધુમાડા અને ઝેરી વાયુઓને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું, જોકે આજે ત્રીજા દિવસે આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને આંશિક સફળતા મળતી દેખાઈ રહી છે.

મળતી માહિતી મુજબ ગુલાબનગર ડમ્પિંગ સાઇટ પર પરમદિને કચરાના ત્રણ મોટા ઢગલાઓમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના અગ્નિશામક વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સતત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ બે દિવસ દરમિયાન ફાયર વિભાગ દ્વારા કુલ એકવીસ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવ્યા હતા, છતાં કચરાના ઢગલાઓ અંદરથી ધુંધવાતા રહેતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નહોતી. આજે ત્રીજા દિવસે વધુ પાણીના ટેન્કરો ખાલી કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ત્રીસથી વધુ પાણીના ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આજે પણ ફાયર બ્રિગેડના 14 જેટલા જવાનોની ટીમ સ્થળ પર ખડેપગે રહી કામગીરી બજાવી રહી છે. ઉપરાંત ચાર ફાયર ફાઇટરોને સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા છે અને ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી કચરાની અંદર સુપ્ત હાલતમાં રહેલી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સંપૂર્ણ તડકાના સમયે કચરાના ઢગલાઓની અંદર રહેલી ગરમીના કારણે આગ ફરી સળગી ઊઠતી હોવાથી કામગીરી વધુ મુશ્કેલ બની રહી છે. જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.

 જોકે ગઈકાલની સરખામણીએ આજે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. દૂર દૂર સુધી ફેલાયેલા ઘેરા ધુમાડામાં પણ ઘટાડો નોંધાયો છે અને આસપાસના રહેવાસીઓએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. ફાયર વિભાગના પ્રયાસોને પગલે આજે સાંજ સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.