જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે ગેસ લાઇન તૂટતાં વિકરાળ આગ, ત્રણના મોત, ચાર લોકો દાઝ્યા
Fire in Junagadh: જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. ટોરેન્ટ ગેસની લાઈન તૂટતા વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગેસ લાઇન તૂટતાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિકરાળ આગે સાતથી આઠ વાહનો અને આઠ જેટલી દુકાનોને ચપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલ આગ ઓલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
મૃતકોની યાદી
1. રૂપિબેન શૈલેષ ભાઈ સોલંકી- 40 વર્ષ
2.ભક્તિ બેન શૈલેષભાઈ સોલંકી-4 વર્ષ
3.હિરેનભાઈ રાબડીયા- 50 વર્ષ
આ વિસ્તારમાં આસપાસ ખાણીપીણીને દુકાનો અને પાનના ગલ્લા આવેલા હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. ફાયરની ટીમ આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહી છે. આગના બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ આ રોડ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે.