જામનગરના એક રાક્ષસી વ્યાજખોરે માસિક 20 ટકા જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ પઠાણી ઉઘરાણી કર્યાની પોલીસ ફરિયાદ
Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો એક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો છે. પોતાની જરૂરિયાત માટે 1.70 લાખ 20 ટકાના વ્યાજે લીધા બાદ તેનું 6.28 લાખ જેવું રાક્ષસી ચુકવણું કરી દીધા જતાં પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી તેમજ તેનો રૂપિયા 12 લાખનો ચેક બેંકમાંથી રિટર્ન કરાવી લઈ ધાક ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા જીગ્નેશ મગનભાઈ ખાણધર નામના 33 વર્ષના સતવારા યુવાનને પોતાના અંગત કામ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા અશોક ઉર્ફે જાંબુ મૂળજીભાઈ નંદા નામના શખ્સ પાસેથી 1.70 લાખની રકમ માસિક 20 ના વ્યાજે લીધી હતી. જેનું કટકે કટકે 6.28 જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. અને ધાકધમકી અપાતી હતી, સાથ સાથ તેના પરિવારના ખોરાક જેટલા ચેકો મેળવી લીધા હતા જે પૈકી જીગ્નેશભાઈના પિતા મગનભાઈની 12 લાખની રકમ ભરેલો ચેક બેંકમાંથી રિટર્ન કરાવી લીધો હતો, ત્યારબાદ વધુ પૈસા પડાવવા માટે ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. તે ફરિયાદના અનુસંધાને પોલીસે વ્યાજખોર એવા અશોક ઉર્ફે જાંબુ નંદા સામે ગેરકાયદે નાણા ધીરધાર અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.