Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર અલમહંમદી એપાર્ટમેન્ટની બી વીંગમાં ફ્લેટ નંબર 502 માં પાંચમા માળે રહેતા ઇમરોજ અબ્દુલ કાદર મેંતર નામના 34 વર્ષના યુવાને પોતાના બંધ રહેલા ફ્લેટમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે તેમજ પડાણા ગામ પાસે આવેલા કિંમતી પ્લોટના દસ્તાવેજની ઓરીજનલ અને ડુપ્લીકેટ બંને નકલની ચોરી કરી લઈ જવા અંગે પોતાની રીશામણે બેઠેલી પત્ની ઉપરાંત સાળી અને સાઢુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઇમરોજ ભાઈ કે જેની પત્ની શબનમબેન છેલ્લા છ મહિનાથી રીસાણીએ બેઠી છે, અને પોતાના માવતરે ચાલી ગઈ છે. જે રિસામણે બેઠેલી પત્ની પોતાની બહેન શબાનાબેન હસનભાઈ મજગુલ અને બનેવી હસનભાઈ મજગુલ સાથે પોતાના ઘેર આવી હતી, ત્યારે ફ્લેટ બંધ હતો, જે ફ્લેટને ખોલી નાખી અંદર ઘુસી જઇ ઇલેક્ટ્રીકના વાયરીંગમાં તથા અન્ય બારીના કાચ, રસોડાના પ્લેટફોર્મ વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી.
ત્યારબાદ અંદરના પેટી પલંગની અંદર રાખવામાં આવેલા પડાણા પાટીયા પાસેના કીંમતી પ્લોટના દસ્તાવેજની ઓરીજનલ ફાઇલ અને ડુપ્લીકેટ ફાઇલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદી યુવાન પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી અને હાલ એકલો રહેતો હોવાથી પોતાના ફ્લેટને તાળું મારીને નોકરી પર ગયો હતો, દરમિયાન પાછળથી તેમની રિસામણે બેઠેલી પત્ની અને તેણીની બહેન અને બનેવીએ ચોરીને અંજામ આપ્યો હતો. એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચકાસતાં દિવસ દરમિયાન પત્ની અને તેના બેન બનેવી એપાર્ટમેન્ટમાં દાખલ થતા જોવા મળ્યા હતા. ઉપરાંત પોતાના પ્લોટનો દસ્તાવેજ ચોરીને લઈ જઈ રહ્યા હતા, જે ફાઈલ પણ સીસીટીવી કેમેરામાં દેખાઇ હતી, જેથી આ ફરિયાદ નોંધાવી છે.


