Jamnagar Fraud Case : જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ઓટો બ્રોકર તરીકેની પેઢી ચલાવતા મોહમ્મદભાઈ દોસ્તમહમદભાઈ શમાએ કારના વેચાણના બહાને પોતાની પાસેથી રૂપિયા બે લાખ દસ હજારની રકમ પડાવી લઈ કાર નહીં આપી છેતરપિંડી કરવા અંગે અમદાવાદમાં જગદંબા હોમ ત્રાગડ બસ સ્ટેન્ડ પાસે રહેતી બીનીતાબેન ગોવિંદભાઈ પટેલ નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મોહમ્મદભાઈ સમા કે જેઓને કારના વેચાણ મામલે એપ્લિકેશનથી એક જાણકારી મળી હતી, અને બીનીતાબેન પટેલ કે જેઓએ પોતાની કાર મોટી ભાણુંગાર પાસે અકસ્માત ગ્રસ્ત બની હતી, અને બોનેટમાં નુકસાન થયું છે. જે કારને હાલ જામનગરના એક ગેરેજમાં રાખવામાં આવેલી છે, તેમ જણાવે તેની સાથે વાતચીત કરી હતી, અને પાંચ લાખ દસ હજારમાં કારના વેચાણનો સોદો કર્યો હતો.
જેના ટોકન સ્વરૂપે તેમજ અલગ અલગ રીતે કુલ બે લાખ દસ હજારની રકમ બીનીતાબેનના એકાઉન્ટમાં મોકલી આપી હતી, ત્યારબાદ બાકીની ત્રણ લાખના રકમ આપીને કાર લઈ જવાની વાત થઈ હતી, પરંતુ બીનીતાબેને પોતાના પતિનું અવસાન થયું છે, તેમજ અન્ય જુદા જુદા કારણો દર્શાવી વાહનના કાગળો મોકલ્યા ન હતા, અને આખરે પોતાને કાર વેચવી નથી, તેમ જણાવી દીધું હતું.
જેથી કાર બ્રોકરે પોતાની બે લાખ દસ હજારની રકમ પરત માગતાં તે નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને કાર બ્રોકરની ફરિયાદના આધારે પોલીસે અમદાવાદની મહિલા બીનીતાબેન પટેલ સામે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો છે.


