દમણના PSI સહિત આઠ કર્મચારીએ બારડોલીના ત્રણ મિત્રોને ડરાવીને 7 લાખ રૂપિયા પડાવતા ગુનો નોંધાયો
Daman News: દમણના પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારી સામે બારડોલીના મોતા ગામના ત્રણ મિત્રોને ડરાવી રૂ.7 લાખ પડાવ્યા અંગે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ હતી. ત્રણેય મિત્રો વાઇનશોપમાંથી દારૂનો જથ્થો લઇ કારમાં દેવાના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા લઇ જતા પોલીસે પકડી પાડયા હતા. પોલીસને બીલ બતાવવા છતાં નકલી હોવાનું જણાવી ડરાવી રૂ.30 લાખ માંગ્યા બાદ રૂ.10 લાખમાં નક્કી થયા બાદ રૂ.7 લાખ લીધા બાદ બાકીના રૂ.3 લાખ બીજા દિવસે આપવાનું નક્કી કરાયું હતું.
બારડોલીના મોતા ગામે રહેતા અજેશ રમેશભાઇ પટેલ અને બે મિત્રો હાર્દિક પટેલ અને પિનાકીન પટેલ ગત તા. 25 ઓગસ્ટ 2025ના રોજ ઇનોવા કાર (નં.જીજે-21-એએચ-8778) માં દમણની સહેલગાએ આવ્યા હતા. દેવકા બીચ પર ફર્યા બાદ દેવકાના ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરી પાર્ટી કરવાનું વિચારી રહ્યા હતા. ત્રણેય મિત્રો ભીમપોર ખાતે હેરિટેજ વાઈનશોપમાં ગયા બાદ દારૂ અને બિયરની બોટલ ખરીદી નાણાં ચુકવી બીલ લઇ પરત ફાર્મ હાઉસ જવા નિકળ્યા હતા. દલવાડા ગામે વાસુકીનાથ મંદિર નજીક એક્ટિવા અને ત્રણ બાઇક પર આવેલા 5થી 6 શખ્સોએ ઇનોવા અટકાવી ગાડીમાં તપાસ કરી પોલીસ તરીકે ઓળખ આપી હતી. ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવતા ગાડી દમણ પોલીસ હેડક્વાર્ટર લઇ ગયા હતા. પોલીસે બેવાર તમાચો પણ ચોડી દીધો હતો. દારૂનું બીલ બતાવતા નકલી હોવાનું જણાવી 14 વર્ષની સજા થશે એમ કહેતા ત્રણેય મિત્રો ડરી ગયા હતા.
અજેમે કેસ પતાવી દેવા કહેતા પોલીસે રૂ.૨૫ લાખની માંગણી કરતા અજેશે માત્ર રૂ.30 હજાર હોવાનું જણાવ્યું હતું. બાદમાં રકઝક કરતા રૂ.10 લાખમાં સોદો નક્કી કર્યા હતા. પોલીસે રૂ.10 લાખની વ્યવસ્થા કરવા જણાવતા અજેશે માતાને ફોન પર રૂ.10 લાખની જરૂર હોવાનું જણાવી મિત્રને વાત કરી હતી. બાદ મિત્ર નાણાં લઇ દમણ પહોંચ્યો ત્યારે ત્રણ પોલીસ જવાન અજેશ રૂ.7 લાખ લીધા બાદ પોલીસને આપી બીજા નાણાં બીજા દિવસે આપવા જણાવ્યું હતું. બાદમાં તમામને છોડી દીધા બાદ પોલીસ રવાના થઇ હતી. જો કે અજેશના મિત્રએ 112 પર ફરિયાદ કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય મિત્રોને કડૈયા પોલીસ મથકે લઇ જઇ નિવેદન લીધા હતા. બાદ પોલીસ અધિકારી અને જવાનોના ફોટા બતાવ્યા હતા.
પોલીસે ફરિયાદના આધારે પીએસઆઇ ધનજી દુબરીયા, એએસઆઇ, કૃષ્ણવિજય ગોહિલ,જતીન પટેલ, અંકુશસિંહ, રામદેવસિંહ જાડેજા, વિશાલ મીર, વિકાસ રાજપૂત સહિત આઠ સામે ગુનો દાખલ કરાયો છે. જો કે રાત્રે 8:30 વાગ્યા સુધી ઉચ્ચ પોલીસ અધિકારીએ પોતાની છબી બચાવવા માહિતી જાહેર નહીં કરાતા પોલીસની કામગીરી સામે પ્રશ્રનાર્થ ઉભા થયા છે.