ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ
પીપળીયા ગામે મહિલાના ઘેર જઇ ધમકીઓ આપી અને એક લાખ રોકડની ચોરી કરી ઃ નિલેશ પુરાણી અને ૮થી ૧૦ શખ્સો સામે ગુનો
વડોદરા, તા.17 વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસેની સોસાયટીમાં મહિલાના ઘેર જઇ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય તેમજ કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકીઓ આપી ઘરમાંથી રૃા.૧ લાખની ચોરી કરી હોવાની એટ્રોસિટિ એક્ટ મુજબની ફરિયાદ ચેરમેન તેમજ અન્ય ૮થી ૧૦ માણસો સામે નોંધાવી હતી.
પીપળીયા ગામે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા શિતલબેન સંદિપભાઇ બારિયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વાઘોડિયાના નિલેશભાઇ પુરાણી તેમજ અન્ય ૮થી ૧૦ માણસો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ મારા પતિ વેપાર કરે છે. તા.૧૯ જુલાઇના રોજ મારા પતિ તેમના કામ માટે પટના ગયા હતા રાત્રે હું તેમજ મારી બે પુત્રીઓ અને મારા સસરા ઘેર હતા ત્યારે નિલેશ પુરાણી તેમજ અન્ય લોકો મારા ઘરમાં ઘૂસી ગયા હતાં. નિલેશ પુરાણી રૃમમાં બેઠા હતા જ્યારે અન્ય લોકો ઊભા હતાં.
મારા સસરાએ મને બૂમ પાડી બોલાવતા હું તેમજ મારી બંને પુત્રીઓ રૃમમાં આવ્યા ત્યારે રાજકીય આગેવાન નિલેશભાઇ પુરાણી હતા તેમને હું ઓળખું છુ કારણકે અગાઉ ડભોઇ તાલુકાના વસઇ ગામે અનામત સીટ પર હું અપક્ષમાં ચૂંટણી લડી હતી જેથી તેઓ મને જાણતા હતાં. મને જોતા જ નિલેશભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તારા લીધે જ તારો પતિ ઉંચે ચડે છે ેતમ કહી પતિને ફોન કરવાનું કહેતા મેં ફોન કર્યો હતો અને તેમણે ફોન ઉપાડતા મેં નિલેશ પુરાણીને વાત કરવા માટે ફોન આપ્યો હતો.
થોડી વાત કર્યા બાદ તેઓ પોતાની ગાડીઓ લઇને નીકળી ગયા હતાં. થોડા સમય બાદ મેં તપાસ કરી તો બેઠકરૃમના કબાટમાં મારા પતિએ મને આકસ્મિક ખર્ચ માટે રૃા.૧ લાખ આપ્યા હતાં તે મળ્યા ન હતાં. મારા પતિની જમીનની કોઇ વાત બાબતે માથાકૂટ ચાલતી હોવાથી નિલેશ પુરાણીએ આવીને ધમકી આપી હતી.