Vadodara Police : શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીન (CDM) માંથી રૂ. 500ના દરની 17 નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
સુભાનપુરા સ્થિત એક્સિસ બેંકમાં કેશિયર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બેંક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલા કેશ ડિપોઝિટ મશીનોમાંથી રોકડ એકત્ર કરવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવે છે.
ગત તારીખ 3જીના રોજ જ્યારે નિઝામપુરા ખાતેના મશીનમાંથી કેશ કલેક્ટ કરવામાં આવી, ત્યારે તપાસ દરમિયાન રૂ. 500ના દરની 17 નોટો શંકાસ્પદ જણાઈ હતી. આ નોટો મશીનના રિજેક્શન અથવા અલગ બોક્સમાંથી મળી આવી હતી, જે બેંકની ચકાસણીમાં બોગસ સાબિત થઈ હતી.
સીસીટીવી અને મશીન ડેટાથી ખુલી પોલ
બેંક દ્વારા આ મામલે આંતરિક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ તમામ ડુપ્લીકેટ નોટો વિક્રમસિંહ રાજ પુરોહિત નામના ગ્રાહકના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ગ્રાહકે કુલ રૂ. 44,500નું ભરણું કર્યું હતું, જેમાં આ 17 નકલી નોટોનો સમાવેશ થતો હતો.
શું છે RBIનો નિયમ? જે મુજબ કરાઈ કાયદેસરની કાર્યવાહી
RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ના નિયમો મુજબ જો કોઈ ખાતાધારકના ભરણામાંથી 5 કે તેથી વધુ નકલી નોટો મળી આવે, તો બેંકે ફરજિયાતપણે પોલીસ ફરિયાદ નોંધાવવી પડે છે. આ નિયમને આધીન રહીને બેંક અધિકારીએ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ
બેંકની ફરિયાદના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નકલી નોટો ગ્રાહક પાસે ક્યાંથી આવી? શું આ કોઈ મોટા રેકેટનો ભાગ છે કે ગ્રાહકની અજાણતામાં આ નોટો મશીનમાં પહોંચી?


