Gujarat

ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR

By GS TEAM
11 Sep 20252 mins read
ભાજપી શાળા સંચાલક જી.પી. કાઠી અને હોસ્ટેલના સંચાલક રાજા ઝાલા સામે FIR

જૂનાગઢ પોલીસ કે વાલીઓને ઘટનાની જાણ ન કરી બેદરકારી દાખવી  : શાળા સંચાલકે હોસ્ટેલ ભાડે આપી પણ પોલીસને જાણ ન કરતાં કાર્યવાહી, CCTV કેમેરામાં 30ના બદલે 10 દિવસનું જ બેકઅપ

જૂનાગઢ, : જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટનામાં તપાસ બાદ આજે પોલીસે આ ગંભીર ઘટનાની જાણ ન કર્યા બદલ તેમજ સીસીટીવી કેમરાનું પૂરતું બેક અપ ન રાખવા બદલ હોસ્ટેલ સંચાલક રાજા ઝાલા સામે અને હોસ્ટેલ ભાડે આપી તેની પોલીસને જાણ ન કરવા બદલ શાળા સંચાલક એવા ભાજપ અગ્રણી જી.પી. કાઠી સામે ગુનો નોંધ્યો છે.

આ અંગેની વધુ વિગત મુજબ, શહેરના મધુરમ બાયપાસ પર આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં ધો. 12માં અભ્યાસ કરતા ઉપલેટાના વિદ્યાર્થીને પાંચ વિદ્યાર્થીએ ઢોર માર માર્યો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીના વાલીએ અરજી કરતા પોલીસે પાંચ વિદ્યાર્થી સામે જુવેનાઇલ એકટ મુજબ કાર્યવાહી કરી તપાસ કરી હતી. હોસ્ટેલમાં જઇ તપાસ કરતા હોસ્ટેલ રાજા દાના ઝાલાને આ  તા.૨૭-૭-૨૦૨૫ના થયેલી આ મારામારી અંગે જાણ હતી પરંતુ રાજા દાના ઝાલાએ આ ઘટના અંગે વિદ્યાર્થીના વાલીને જાણ કરી ન હતી. તેમજ હોસ્ટેલ કેમ્પસમાં લગાડેલા સીસીટીવી કેમરામાં 30 દિવસના બદલે માત્ર 10 દિવસનું જ બેક-અપ હતું. આ મામલે સી ડિવિઝન પી.આઈ. વી.જે. સાવજે ફરિયાદી બની હોસ્ટેલ મૂળ અમરાપુરના અને હાલ જૂનાગઢ રહેતા રાજા દાના ઝાલા સામે બી.એન.એસ.211(B)223 મુજબ ગુનો દાખલ કર્યો છે.

આ ઉપરાંત શાળા સંચાલક ગિરીશ પુંજાભાઈ કાઠીએ પોતાના હસ્તકની હોસ્ટેલ 11 માસના ભાડા કરાર પર આપી હતી પરંતુ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી. આ મામલે પણ સી ડિવિઝન પી.આઈ.એ આલ્ફા સ્કૂલના સંચાલક ગિરીશ પૂંજાભાઈ કાઠી (જી.પી.કાઠી) સામે ફરિયાદ નોંધાવી બી.એન.એસ.223 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ, વિદ્યાર્થીઓની મારામારીની ઘટના બાદ વાલીએ અરજી કર્યા બાદ આ બાબતો સામે આવી છે, બાકી અત્યાર સુધી બધું લોલમલોમ ચાલી રહ્યું હતું. આથી, ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય એ માટે અન્ય હોસ્ટેલ અંગે પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.