સંતાનો હોવા છતાં નિઃસંતાન બતાવી જમીન પચાવી પાડી : પાંચ સામે ગુનો
Vadodara : સંતાનો હોવા છતાં નિઃસંતાન છે તેવા ખોટા દસ્તાવેજો તૈયાર કરી વાઘોડિયા તાલુકાના ભાવપુરા ગામની જમીન પચાવી પાડનાર પાંચ ભેજાબાજ ભાઈઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પાદરા તાલુકાના ડભાસા ગામે ખંડેરાવપુરામાં રહેતા વિજયસિંહ મંગળસિંહ ચૌહાણે વાઘોડિયા તાલુકાના ભાવપુરા ગામના બળવંતસિંહ મંગળસિંહ ચૌહાણ અને તેના ભાઈઓ નરપત, ઠાકોર, શંકર અને નિલેશ સામે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડભાસાની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારા પિતા ખેતી કરે છે અને માતા ઉષાબેન દસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે.
મારા નાના ચીમનભાઈ રાયસિંહ ચૌહાણે તા.15 જૂન 1962 ના રોજ છોટાભાઈ વસાવા પાસેથી ભાવપુરા ગામની 9,207 ચોરસ મીટર જમીન વેચાણ રાખી હતી. આ જમીનમાં સીધી લીટીના વારસદાર તરીકે મારા નાની અને તેમની બે પુત્રીઓ એટલે કે મારી માતા અને માસી બંને હોવા છતાં ઉપરોક્ત આરોપીઓએ તા.26-9-2011 ના રોજ ભાવપુરા ગામના તલાટી રૂબરૂ બોગસ પેઢીનામુ બનાવ્યું હતું અને મારા નાના ચીમનભાઈને કોઈ સંતાન છે નહીં તેવો ખોટો લેખ બનાવી રેવન્યુ રેકોર્ડમાં તેમના નામો ચડાવી દીધા હતા. આ અંગેની જાણ મને થતા મેં મારો હક જમીનમાં માગ્યો તારે તેમને ધમકી આપી હતી.