Jamnagar Land Dispute : જામનગર નજીક સિક્કામાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મહાજન વૃદ્ધ મહિલાની વસઈ ગામમાં આવેલી આશરે 10 કરોડ રૂપિયાની કિંમતની ખેતીની જમીન પચાવી પાડવા માટેનો કારસો રચાયો છે, અને તેના બનાવટી દસ્તાવેજો રજૂ કરી જમીન પડાવવાનો કારસો રચનારા રાજકોટ અને ખંભાળિયાના 3 શખ્સ અને એક વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગર નજીક વસાઈ ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા રંજનબેન નરશીભાઈ સુમરીયા કે જેઓની વસઇ ગામમાં વડીલો પારજીત ખેતીની જમીન આવેલી છે, જેની હાલ બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા થાય છે.
ઉપરોક્ત જમીન પચાવી પાડવા માટે એક વકીલ સહિત ચાર શખ્સો દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રહેતા સવદાસભાઈ અર્જુનભાઈ ચાવડા, તેમજ ટીબળી ગામના કિશોરભાઈ હેમગર ગોસાઈ, અને ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના પુંજાભાઈ કાળુભાઈ તેમજ એક વકીલ રણછોડભાઈ નરસિંભાઈ પણસારાની મદદથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરી લીધા હતા, અને તેમાં વૃદ્ધ મહિલાના અંગુઠાના નિશાન વગેરે લગાવીને નકલી દસ્તાવેજ તૈયાર કરી લીધો હતો, તેમજ જામનગરની સિવિલ અદાલતમાં આ ખોટા વેચાણ કરારને ખરા તરીકે રજૂ કરી વિશ્વાસ અને છેતરપિંડી કરાઈ હતી.
તાજેતરમાં મહાજન વૃદ્ધ મહિલાને ઉપરોકત કારસ્તાન અંગેની જાણકારી મળતા તેઓએ સિક્કા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને રાજકોટ અને ખંભાળિયા પંથકના ત્રણ શખ્સો અને એક વકીલ સહિત ચાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટરએ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


