ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ
કોર્પો.ની ટીમ રાત્રિ ચેકિંગ કરીને જ્યાં ત્યાં ગંદકી કરતા લોકોને પકડી દંડિત કરશ
વડોદરા,શહેરમાં ગંદકી ફેલાવનાર અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૧ માસમાં કુલ ૨૪ લાખથી વધુની દંડની વસૂલાત કરવામાં આવી છે.
શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ગંદકી ફેલાવનાર વ્યક્તિઓ સામે પાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી છે. પડી રહેલો કાટમાળ, નાઈટ ડ્રાઈવ કરીને સફાઈની કામગીરી કરાય છે.
વિશ્વામિત્રી નદીમાં કાટમાળ નાખતા શખ્સોની ઓળખ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો વિરૃદ્ધ કડક કાર્યવાહી કરી તા. ૧ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેમ્બર સુધી એટલે કે એક માસના ગાળા દરમિયાન રૃા. ૨૪,૨૫,૬૭૦/- નો દંડ વસુલવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર ૩ દ્વારા સૌથી વધુ દંડની વસુલાત કરવામાં આવેલી છે.
કોર્પોરેશને ગંદકી નહીં કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, નદી કે જાહેર સ્થળોએ કચરો નહીં ફેંકવા અપીલ કરી છે. કોર્પો.ની વોર્ડની સેનીટેશન ટીમ દ્વારા નિયમિત નાઈટ ડ્રાઈવ, સર્વેલન્સ અને ચેકિંગ કરવામાં આવશે, અને નિયમ ભંગ કરનારાઓ સામે પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવાયું છે.