Get The App

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ 1 - image

- કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ 

- ઢોર પકડ ટીમે ચીફ ઓફિસરને રજૂઆત કરતા પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી 

આણંદ : બોરસદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસથી વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેથી પાલિકા દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શુક્રવારે ૬ જેટલી ગાયો પકડતા પશુ માલિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

બોરસદ પાલિકાની ટીમે રખડતી ગયો પકડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં શુક્રવારે બોરસદના બસ સ્ટેન્ડ તથા શાકમાર્કેટ તેમજ આણંદ ચોકડીથી ૬ જેટલી રખડતી ગાયો પકડીને ઢોર ડબ્બામાં પુરીને નગરપાલિકામાં લાવતા હતા. ત્યારે તરંગ પેટ્રોલ પંપ પાસે ચારથી વધુ પશુ માલિકો બાઇક લઈને આવી પહોંચ્યા હતા અને ટ્રેક્ટરને અટકાવી દીધું હતું. જેથી નગરપાલિકાના કર્મચારીઓ અને પશુ માલિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પશુ માલિકોએ તમામ ગાયો પોતાની જાતે ઢોર ડબ્બામાંથી છોડીને લઈ ગયા હતા.

પાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરી હતી. જેથી બોરસદ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ માલિકોને તાત્કાલિક બોરસદ નગરપાલિકામાં બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા થયેલ બળજબરીપૂર્વક ગાયો છોડાવી જવાની કામગીરીને વખોડી હતી અને છ ગાયોના દંડ પેટે રૂ. ૨૧,૦૦૦ નગરપાલિકા ભરવાની તાકિદ કરી હતી અને જો પશુપાલકો દંડ નહિ ભરે તો પછી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે બાદ પશુ માલિકો દ્વારા બોરસદ નગરપાલિકામાં આજે શનિવારે રૂપિયા ૨૧ હજારનો દંડ ભરી દેવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું કે, બોરસદ શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.