Gujarat

6 એકમોના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂા. 5.10 લાખનો દંડ

By GS TEAM
9 Jul 20252 mins read
6 એકમોના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂા. 5.10 લાખનો દંડ

- આણંદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 

- ગંભીરાની એમએસ માવાવાલાની બરફી, બોરસદમાં કોટન, સોયાબીન સહિતના તેલના નમુના મિસબ્રાન્ડ

આણંદ : આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા એકમોના નમૂના લેવામાં આવ્યા હતા. જે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાતા આણંદ નિવાસી અધિક કલેકટર દ્વારા ૬ એકમોને કુલ રૂા. ૫.૧૦ લાખનો દંડ ફટકારાયો છે. 

આ એકમોમાં એમ.એસ માવા વાલા, ગંભીરા ખાતેથી અમૃત સ્વીટ બરફીનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૮૦ હજારનો તથા મે. રીચ મોર એપ્રિલ ટ્રેડિંગ, બોરસદ ખાતેથી લીધેલો એક્કા રિફાઇન્ડ કોટન ઓઇલનો નમુનો સબસ્ટાન્ડર્ડ- મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂપિયા ૧.૨૫ લાખનો દંડ, કિસ્મત ટ્રેડિંગ કંપની ખાતે લીધેલા દોલત બ્રાન્ડ સોયાબીન ઓઇલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂપિયા ૬૦ હજારનો દંડ, મહારાણી ગોલ્ડ રિફાઇન્ડ સોયાબીન ઓઇલનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂપિયા ૬૦ હજારનો દંડ તેમજ ગુજરાત બ્રાન્ડ સોયાબીન ઓઇલનો નમુનો પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂપિયા ૬૦ હજારનો દંડ કરવામાં આવેલો છે. 

ઉપરાંત મેં ભગવતી ટ્રેડિંગ, ખંભાત ખાતેથી મહારાણી રિફાઇન્ડ સોયાબીન ઓઇલનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જવાબદારોને રૂપિયા ૧.૨૬ લાખનો દંડ કરવામાં આવેલો હતો. આમ એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરે આણંદ જિલ્લાના ૬ એકમોને કુલ રૂપિયા ૫.૧૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં એક મહિનામાં 89 નમૂના પૃથક્કરણ માટે મોકલાયા

આણંદ જિલ્લામાં જૂન માસમાં આણંદ તેમજ તાલુકાની જુદી જુદી હોટેલ રેસ્ટોરન્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તૈયાર રાંધેલા ખોરાકના ૧૯ નમૂનાઓ તેમજ રો-મટીરિયલ મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા છે. જિલ્લામાં મધ્યાન ભોજન કેન્દ્ર, અને આઇસીડીએસ ખાતે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સાથે કુલ ૭૦ જેટલા નમુનાઓના પૃથક્કરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરાશે.