- પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાતા
- ઉત્તરાયણ બાદ પાલિકાએ મેઈન બજાર, ઊંડાપાડા દરવાજા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું
બગોદરા : ઉત્તરાયણ બાદ ધોળકા પાલિકાએ મેઈન બજાર, ઊંડાપાડા દરવાજા વિસ્તારમાં પ્રતિબંધ પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધરી ચાર વેપારી પાસેથી ૪૩ હજારથી વધુનો દંડ વસૂલ કર્યો છે.
ધોળકા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ વિરુદ્ધ સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શનિવારે બપોરે નગરપાલિકાની ટીમે મેઈન બજાર અને ઊંડાપાડા દરવાજા પાસે આવેલી ચાર દુકાનોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હરિકૃષ્ણ સ્ટોરને રૂ.૧૧,૦૦૦, શ્રી હરિ ટ્રેડર્સને રૂ.૨૦,૦૦૦, વ્હોરા બ્રધર્સને રૂ.૧૦,૦૦૦ અને રાજુભાઈ રાણાને રૂ.૨,૫૦૦નો દંડ ફટકારી કુલ રૂ.૪૩,૫૦૦ની વસૂલાત કરવામાં આવી હતી. આ કામગીરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.


