Gujarat

પ્રતિબંધીત પ્લાસ્ટિક સહિતના મામલે 207 આસામી પાસેથી 37 હજારનો દંડ વસૂલ્યો

By GS TEAM
24 Dec 20251 min read
પ્રતિબંધીત પ્લાસ્ટિક સહિતના મામલે 207 આસામી પાસેથી 37 હજારનો દંડ વસૂલ્યો

- મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યવાહી

- જાહેરમાં ગંદકી ફેલાવતા, થુંકતા, ડસ્ટબીન ન રાખતા, રજકાનું વેચાણ કરતા વગેરે આસામીઓને દંડ ફટકાર્યા 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે મંગળવારે પ્રતિબંધીત પ્લાસ્ટિક સહિતના મામલે આસામીઓને દંડ ફટકારવામાં આવ્યા હતા તેથી આસામીઓમાં ફફડાટ ફેલાયો હતો. 

પ્લાસ્ટીકનું પ્રદુષણ અટકાવવા વિષય આધારીત સ્વચ્છતા તથા પ્લાસ્ટીક નાબુદી ઝુંબેશ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે મંગળવારે શહેરના તમામ વોર્ડમાં જુદા જુદા સ્થળોએ ચકાસણી કરી હતી અને જાહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૨૮ આસામીઓ પાસેથી ૩૨.૬ કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂા. ૧૭,૭૦૦ નો દંડ વસૂલ્યો હતો, જયારે જાહેરમાં ગંદકી કરવા સબબ ૧૧૨ આસામીઓ પાસેથી રૂપીયા ૯,૫૫૦ નો દંડ લેવામાં આવ્યો હતો. 

શહેરની કંસારા નદીમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા ૧૬ આસામીઓ પાસેથી રૂપીયા ૪,૨૫૦ નો દંડ વસૂલાયો હતો, જયારે જાહેરમાં થુકવા સબબ ૧૪ આસામીઓને પાસેથી  રૂપીયા ૩,૫૦૦નો દંડ, જાહેરમાં અને ડસ્ટબીન ન હોવા બાબતે ૮ આસામીઓ પાસેથી રૂા.૧૬૦૦ નો દંડ અને રજકાના પૂળા વેચવા સબબ ૨૯ આસામીઓ પાસેથી ૧૧૭ પૂળાઅ જપ્ત કરીને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ કુલ ૨૦૭ આસામીઓ પાસેથી કુલ રૂા. ૩૭,૧૦૦ નાં દંડની વસુલાત કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે તેમ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેેન્ટ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.