Get The App

જાણો, ગાંધીજીએ આફ્રીકાથી પાછા આવીને રહેવા માટે અમદાવાદ કેમ પસંદ કર્યુ ? અહિંસાના પૂજારીને આ શહેર સાથે છે વિશિષ્ટ નાતો

Updated: Feb 26th, 2022

GS TEAM

Google News
Google News
જાણો, ગાંધીજીએ આફ્રીકાથી પાછા આવીને રહેવા માટે અમદાવાદ કેમ પસંદ કર્યુ  ? અહિંસાના પૂજારીને આ શહેર સાથે છે વિશિષ્ટ નાતો 1 - image

અમદાવાદ, 26 ફેબ્રુઆરી,2022,શનિવાર 

દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર તરીકે જઇને મહાત્મા ગાંધી તરીકે ૧૯૧૫માં ભારત પાછા ફરનારા મોહનદાસ ગાંધીએ પોતાના વસવાટ અને પ્રવૃતિ માટે અમદાવાદને જ પસંદ કર્યું હતું.ગાંધીજીને આમ તો રાજકોટ, હરિદ્વાર, બિહાર જેવા અનેક સ્થળોએ રહેવાની ઓફર હતી પરંતુ છેવટે તેમનો જીવ અમદાવાદમાં ચોંટયો હતો.

દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડયો હતો. ત્યાર બાદ ૧ ફેબુ્આરી ૧૯૧૫ના રોજ અમદાવાદ આવ્યા હતા. તેમનો પહેલા દિવસનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં રાખવામાં આવ્યો હતો.ત્યાર બાદ બીજા દિવસે શહેરના અગ્રણી ચીનુભાઇ બેરોનેટના હસ્તે સન્માનપત્ર આપવાનો આ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ગાંધીજીએ કહયું હતું કે જો અમદાવાદ મને સંઘરશે તો હું અહીં જ રહેવા ઇચ્છુ છું.

જાણો, ગાંધીજીએ આફ્રીકાથી પાછા આવીને રહેવા માટે અમદાવાદ કેમ પસંદ કર્યુ  ? અહિંસાના પૂજારીને આ શહેર સાથે છે વિશિષ્ટ નાતો 2 - image

અમદાવાદ આવીને ગાંધીજીએ આશ્રમ સ્થાપવા માટે જગ્યાની પણ શોધ કરવા માંડી હતી. શેઠ મંગળદાસે અમદાવાદમાં રહેવાનો એક વર્ષનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.છેવટે ૧૧ મી મે ૧૯૧૫ના રોજ ગાંધીજી કોચરબમાં જીવણલાલ બેરિસ્ટરનો બંગલો ભાડેથી જોવા માટે ગયા હતા.

ગાંધીજીની દિનવારીની નોંધ મુજબ અહીં ૨૫ મે ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની વિધિવત સ્થાપના થઇ હતી.એ દરમિયાન ફિનિકસ આશ્રમમાં રહેતા લોકો મળીને ૨૫ જેટલા સ્ત્રી પુરુષ રહેતા હતા.એ પછી ૧૯૧૭માં સાબરમતી નદીના કાંઠે આશ્રમ ખસેડવામાં આવતા બળદગાડા ભરીને સામાન લઇ જવામાં આવ્યો હતો.

જાણો, ગાંધીજીએ આફ્રીકાથી પાછા આવીને રહેવા માટે અમદાવાદ કેમ પસંદ કર્યુ  ? અહિંસાના પૂજારીને આ શહેર સાથે છે વિશિષ્ટ નાતો 3 - image

એ સમયે પ્લેગ વગેરે ફાટી નિકળતા સ્થળાંતર માટે ખૂબ સમય લીધો હતો. સાબરમતી નદીના કાંઠેનો આ જ આશ્રમ ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમો, વિચારો,નિયમો અને અંગ્રેજો સામેની અહિંસક લડતની વ્યુહરચનાનો સાક્ષી રહયો હતો.

આમ દુનિયામાં અહિંસાના પૂજારી તરીકે ખ્યાતનામ બનેલા ગાંધીજીનો અમદાવાદ સાથે વિશિષ્ટ નાતો છે. 1930માં અંગ્રેજ શાસનના પાયા હચમચાવી દેનારી ઐતિહાસિક દાંડીયાત્રા પણ તેમણે અમદાવાદથી શરુ કરી હતી. શહેરથી જ તેમને સાબરમતીના સંત તરીકેની ઓળખ મળી હતી.