કનસુમરા ગામનાં ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ, પ્રમુખ સહિત 9 હોદ્દેદારો સામે ફરિયાદ
જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
ટ્રસ્ટના બેંક ખાતામાંથી કરોડોની રકમ મળતિયાઓના અને અન્ય ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર કરી તગડું કમિશન મેળવી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર
જામનગર નજીકના કનસુમરા ગામ સમસ્તની માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જમીન આજથી ત્રણ દાયકા પૂર્વે જીઆઈડીસી મારફતે ઔદ્યોગિક વિસ્તાર માટે સંપાદન થઇ હતી. જે તે સમયે જમીન પેટે જે વળતર આવે તે રકમ ગામના વિકાસ અને સુખાકારી તેમજ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે વપરાય એ હેતુ થી જે તે સમયે કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટની રચના કરી જે રકમ વળતર પેટે આવી તે રકમ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં જમીનના વળતર પેટે ૨૨ કરોડની રકમ ટ્રસ્ટના ખાતામાં જમા થઇ હતી. ૧૧ સભ્યો ટ્રસ્ટી મંડળમાં સભ્યો તરીકે સેવા આપતા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી ટ્રસ્ટના આથક વ્યવહારો અંગે ટ્રસ્ટીઓ-સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વહિવટ થવા લાગ્યા હતા. જેને લઈને ટ્રસ્ટના સભ્ય કાસમ ખીરા દ્વારા તપાસ કરાતા ટ્રસ્ટના બેંક ખાતામાંથી મોટા આથક વ્યવહાર થયાનું સામે આવ્યું હતું.તેથી ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાંથી મોટી મોટી રકમ પોતાના લાગતા વળગતા લોકોના બેંક ખાતામાં જમા કરાવી, ઉપાડી લઇ, બીજા અન્ય ટ્રસ્ટમાં રકમ જમા કરાવી મોટું કમીશનથી નાણા ફેરવી પૂર્વયોજિત કાવતરું રચી ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ટ્રસ્ટના પ્રમુખ અકરમભાઇ સલીમભાઇ ખીરા, ઉપ પ્રમુખ અકરમભાઇ ઇસુબભાઇ ખીરા, અલ્તાફભાઇ જુસબભાઇ ખીરા, આમદભાઇ મામદભાઇ ખીરા, ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરા, ઇસ્માઇલભાઇ હાસમભાઇ ખીરા, વલીમામદભાઇ દોસમામદભાઇ ખીરા, હુશેનભાઇ સુલતાનભાઇ ખીરા અને હનીફભાઇ અલારખાભાઇ ખીરા સહિત ટ્રસ્ટના ૯ હોદેદારો સામે ટ્રસ્ટના સભ્ય કાસમભાઈ ખીરાએ પંચકોશી બી. ડીવીઝન પોલીસમાં નોંધાવી છે. આ પ્રકરણે જામનગર પંથકમાં ભારે ચર્ચાઓ જગાવી છે.