વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ આખરે 10 વર્ષે મહાદેવની પ્રતિમાનું પુનઃસ્થાપન થશે
Vadodara : વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે અવારનવાર વિવાદ સર્જાતો રહે છે. પરંતુ પાછલા કેટલાક સમયથી આ વિવાદોમાં એટલો વધારો થયો છે કે પ્રદેશસ્તરે પણ તેની નોંધ લેવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતેથી દૂર કરાયેલ મહાદેવની પ્રતિમાને પુનઃસ્થાપનનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
કમિશનરે પ્રથમ દિવસે જ મુનેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા
વર્ષ 2015 દરમ્યાન વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે કમિશનર કચેરીના ગેટ પાસે એક વૃક્ષ ઉપર ભગવાન શિવજીનું નાનું મંદિર હતું. આ મંદિરે કોર્પોરેશનના કર્મચારીઓ તથા બહારથી આવતા લોકો પૂજા અર્ચના કરતા હતા. પરંતુ, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ.પટેલના સમયગાળા દરમિયાન આ મંદિર હટાવાયું હતું. અને મંદિરમાં રહેલ પ્રતિમાને સિક્યુરિટી કેબિનની પાછળ ખૂણામાં રાખવામાં આવી હતી. નવા કમિશનર અરુણ મહેશ બાબુને આ બાબત ધ્યાને આવતા પ્રથમ દિવસે જ તેમણે મહાદેવના દર્શન કરી તે પ્રતિમાને પુન: તે જ સ્થળે સ્થાપવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વૃક્ષની આસપાસ ઓટલો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ મહાદેવની પ્રતિમા મૂકવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરા મ્યુ. કમિશનરને મેયર સાથેનો વિવાદ નડ્યો હોવાની ચર્ચા
તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. અરુણ મહેશ બાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર અને મેયર પિન્કીબેન સોની વચ્ચે વિવાદ કારણભૂત હોવાની ચર્ચા હતી.
ધારાસભ્યના મતે અધિકારીઓ વડોદરા આવતા ગભરાય છે
એક મહિના અગાઉ વડોદરા કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, વડોદરા શહેરની તાસીર એવી છે કે અધિકારીઓને અહીં આવતા ગભરામણ થાય છે.
કમિશનરની નિમણૂક બાદ સાત દિવસમાં જ બીજા કમિશનરની નિમણૂંક કરાઈ હતી
છ વર્ષ અગાઉ વડોદરા કોર્પોરેશનના કમિશનર અજય ભાદુની બદલી થયા બાદ એક મહિનો ખાલી પડેલી કમિશનરની જગ્યા પર એમ.એસ.પટેલની નિમણૂંક કરી હતી. જોકે તેમનો ઓર્ડર કેન્સલ કરીને નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નલિન ઉપાધ્યાયની નિમણૂંક કરવામાં આવી હતી.
મ્યુ. કમિશનર એચ.એસ. પટેલ, ડો. વિનોદ રાવ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીનો હુકમ થયો હતો
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટએ વડોદરાના તત્કાલીન બંને મ્યુનિસિપલ કમિશનરો એચ.એસ. પટેલ અને વિનોદ રાવની આકરી ટીકા કરી નોંધ્યું હતુ કે,તત્કાલિન બંને મ્યુ. કમિશનરો તેમની કાયદેસરની ફરજની બજવણી કરવાના દોષિત જણાય છે અને તેમણે સત્તાનો, તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે.
હનુમાનજીની પ્રતિમા કબ્જે કર્યા બાદ પોલીસ સ્ટેશનને ગ્રહણ લાગ્યું હોવાની વાતો વહેતી થઈ હતી
વર્ષ 2002માં ફતેગંજ પોલીસે હનુમાનજીની એક પ્રતિમા કબજે લીધી હતી. જે પ્રતિમા રેકોર્ડ રૃમમાં મુદ્દામાલ સાથે ધૂળ-કચરા વચ્ચે મૂકવામાં આવ્યા બાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એક પછી એક કિસ્સા એવા બન્યા હતા કે, પોલીસ અણધારી તકલીફોમાં આવી જતી હતી. અને પ્રતિમાને સન્માન પૂર્વક રેકોર્ડ રૃમમાંથી ખસેડીને બીજા સ્થળે મૂકી કોર્ટ હુકમના આધારે પ્રતિમાને સંજયનગરના લોકોને પરત કરતા તે પ્રતિમાને સ્થાપિત કરી હુલ્લડિયા હનુમાનજી નામ આપવામાં આવ્યું હતું.