Get The App

આખરે વિરપુર BoBના કેશિયર સામે રૂ. 42 લાખની છેતરપિંડીની ફરિયાદ

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
આખરે વિરપુર BoBના કેશિયર સામે રૂ. 42 લાખની છેતરપિંડીની ફરિયાદ 1 - image


- બેન્કના ઉચ્ચ અધિકારીઓએ એક સપ્તાહ સુધી તપાસ કરી

- ખાતેદારોના પૈસા બારોબાર ચાઉ કરી જઇને, બોગસ એફ.ડી. સર્ટિફિકેટ બનાવીને કેશિયરે લાખો રૂપિયાની ઉચાપત કરી હતી

વિરપુર : મહિસાગર જીલ્લાના વિરપુરની બેન્ક ઓફ બરોડાની શાખામાં કેશિયર દ્વારા આચરાયેલા કૌભાંડમાં આખરે બેન્કના અધકારી દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. કેશિયરે  વિવિધ ખાતેદારોના નાણા અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. જેમાં કેટલાકને બેન્કના સ્ટેમ્પનો દુરૂપયોગ કરી બોગસ એફડી આપી હતી. 

આ એફડીની રકમ ઘર ભેગી કરી હતી. આ અંગે કર્મચારી સામે રૂ.૪૨ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જો કે કૌભાંડની આ રકમમાં તપાસ દરમિયાન વધારો થવાની સંભાવના છે.

 વિરપુર બેન્ક ઓફ બરોડાના કેશિયર દ્વારા કરાયેલી ઉચાપતનો આંકડો રૂ.૪૨ લાખ જેવો થાય છે.  આ અંગે બેન્કના મેનેજર વેદપ્રકાશ યાદવે પોલીસમાં ફરિયાદ આપી છે  કે, બેન્કના કર્મચારી જયસુખરામ બાબુલાલ (રહે. ભેડ, તા. ખીમસર, રાજસૃથાન, હાલ. રહે. અંબીકા સોસાયટી, વિરપુર) ને કેશિયર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જયસુખે તા. ૧૫મી મે, ૨૦૧૯થી ૧૯મી એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન બેન્ક સાથે રૂ.૪૨ લાખની છેતરપિંડી આચરી છે.  

આ ગાળામાં તેણે ખાતેદારોના નાણા નહીં આપી બેન્કના સ્ટેમ્પનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી એફડીઆર સર્ટીફિકેટ બનાવ્યાં હતાં. જે ગ્રાહકોને ઇશ્યુ કર્યાં હતાં. આ ઉપરાંત કેટલાક ખાતેદારોના ચેક જમા કરાવ્યાં હતાં. 

તેની બચત ખાતાના ચેકની રકમ ઉપાડી લઇ તેઓને ચુકવ્યા નહીં અને ગ્રાહકોના ડીપોઝીટ સ્લીપ મારફતે જમા કરાવવા આપેલા નાણા અલગ અલગ ખાતામાં જમા કર્યાં નહતાં. આમ કુલ ૪૨ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ અંગે વિરપુર પોલીસે જયસુખ રામ બાબુલાલ (રહે. મુળ, રાજસૃથાન) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :