Gujarat

મહી નદી પરના ગંભીરા બ્રિજ પર લિન્ક સ્પાન બેસાડવાની અંતિમ તૈયારી

By GS TEAM
17 Mar 20262 mins read
મહી નદી પરના ગંભીરા બ્રિજ પર લિન્ક સ્પાન બેસાડવાની અંતિમ તૈયારી

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાને આણંદ જિલ્લા સાથે જોડતા મહુવડ પાસેના ગંભીરા બ્રિજને હંગામી રીતે ટુ વ્હિલરો માટે શરૃ કરવા માટેની અંતિમ કામગીરી હાથ ધરવામાં આવી છે. તૂટી ગયેલા સ્પાનના સ્થાને લિંક સ્પાન ગોઠવવા માટેની પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ થતાં મહિનાના અંત સુધીમાં વાહન વ્યવહાર માટે આ બ્રિજ ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે.

ગયા વર્ષે ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા ૨૨ નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા હતાં. આ ઘટના બાદ વડોદરા અને આણંદ જિલ્લાનો આ બ્રિજ દ્વારા થતો સંપર્ક તૂટી ગયો હતો. દરમિયાન આ બ્રિજની બાજુમાં જ હાલ નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આણંદ તેમજ પાદરા તાલુકાના લોકોને અવરજવર કરવા માટે લાંબુ અંતર કાપવું પડતું હોવાથી તૂટી ગયેલા બ્રિજ પર નવી વ્યવસ્થા તૈયાર કરી હળવા વાહનો માટે ખુલ્લો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગંભીરા બ્રિજના તૂટી ગયેલા ભાગને ફરીથી જોડવા માટે ૮૦ મીટરનો લિંક સ્પાન ૧૦૦ ટનનો સ્ટીલ ગર્ડર તૈયાર કરવામાં આવ્યો છે. આ મજબૂત સ્ટીલ ગર્ડરને જોડવા માટેની અંતિમ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્પાન તૈયાર કરી તેનું લોન્ચિંગ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેને તૂટી ગયેલા બ્રિજના બંને છેડે જોડી દેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ટુ વ્હિલરોની અવરજવર બ્રિજ પરથી કરવામાં આવશે ત્યાર બાદ ફોર વ્હિલની અવરજવર માટે વિચારણા હાથ ધરાશે. આ બ્રિજ શરૃ થતાં જ પાદરા તાલુકા તેમજ આણંદ જિલ્લાના અનેક લોકોને રાહત થશે.