Get The App

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ 1 - image


કોર્પોરેશન વિસ્તારના પેથાપુરમાં સંજરીપાર્ક સામે

સાત દિવસમાં આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગર :ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ પેથાપુરમાં સંજરી પાર્ક પાસે સરકારી જગ્યામાં ઊભી થઈ ગયેલી વસાહતને આખરી નોટિસ આપવામાં આવી છે અને ૧૧૫ દબાણકારોને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા કોર્પોરેશન દ્વારા તાકીદ કરવામાં આવી છે નહીંતર હવે તેમના આ દબાણ હટાવી દેવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી જમીન ઉપર દબાણો થઈ જવાની સમસ્યા વર્ષોથી જટિલ બની રહે છે ત્યારે આ સરકારી જગ્યા ઉપર આખે આખી ગેરકાયદેસર રહેણાંક વસાહતો ઊભી થઈ જાય છે તેમ છતાં તંત્રોના ધ્યાને બાબત આવતી નથી. મુખ્યમંત્રીના બંગલાની પાછળ જ બોરીજમાં ગેરકાયદેસર મોટી વસાહત ઊભી થઈ ગઈ હતી અને જેને દૂર કરવા માટે તંત્રના આંખે પાણી આવી ગયું હતું ત્યારે હાલ આવી જ સ્થિતિ પેથાપુરમાં સંજરી પાર્ક પાસે જોવા મળી રહી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ એવી આ જગ્યામાં ગેરકાયદેસર વસાહત ઊભી થઈ ગઈ છે. જે બાબતે એસ્ટેટ વિભાગ દ્વારા ગત ૨૨ ઓગસ્ટના રોજ ૧૧૫ જેટલા દબાણકારોને પ્રથમ નોટિસ આપવામાં આવી હતી અને આધાર પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ જવાબ નહીં મળતા તેમને બીજી નોટિસ આપવામાં આવી હતી અને હવે ગઈકાલે ૧૧૫ જેટલા દબાણકારોને આખરી નોટિસ આપવામાં આવી છે અને સાત દિવસની અંદર આધાર પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો તે નહીં કરવામાં આવે તો એસ્ટેટ વિભાગ દ્વારા આગામી દિવસમાં અહીં સરકારી જગ્યા ખુલ્લી કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવશે. નોંધવું રહેશે આ વસાહતમાં લાઈટ પાણીના કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. જેથી તે આપનાર સંબંધિત અધિકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. 

Tags :