કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આવતીકાલે બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે
Baoda Premier League : કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આયોજિત બીપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં આજે ક્વોલિફાયરની દ્વિતીય મેચમાં પૃથ્વી પેન્થર્સ અને અમી સુપર એવેન્જર્સ વચ્ચે મુકાબલો થશે. અને આવતીકાલે ફાઇનલ મેચ યોજાશે.
વડોદરાના ટેલેન્ટને દેશ માટે રમવા સુધીના પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રથમ વખત ટી-20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરાયું છે. કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે 15 જૂનથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ક્વોલીફાયરની દ્વિતીય મેચમાં આજે સાંજે 6:45 કલાકે અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, ક્વોલીફાયરની પ્રથમ મેચમાં એલેમ્બિક વોરિયર્સનો ફાઇનલમાં પ્રવેશ થયો હતો. ગઈકાલે તા.27 જૂનના રોજ બીપીએલ ટુર્નામેન્ટની 22મી મેચમાં અમી સુપર એવેન્જર્સ અને એલેમ્બિક વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં અમી એવેન્જર્સએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. જેની સામે એલેમ્બિક વોરિયર્સએ 19.4 ઓવરમાં 6 વિકેટે 160 રનનો લક્ષ્યાંક હાંસિલ કરી 4 વિકેટથી વિજેતા થઈ હતી. જ્યારે 20 બોલમાં 35 રન ફટકારનાર એલેમ્બિક વોરિયર્સના હેનિલ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો. હવે આવતીકાલે તા.29 જૂનના રોજ બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ યોજાશે.