સીઆરપીએફના ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનને અંતિમ વિદાય
- પરિવારના હૈયાફાટ રૂદનથી ગામ આખું હિબકે ચડયું
- હાથમાં તિરંગા લઈ લોકો શહીદ યાત્રામાં જોડાયાઃ કેન્દ્રીય મંત્રી, કલેક્ટર, એસ.પી., ધારાસભ્ય, રાજકીય અને સામાજિક આગેવાનોએ શહીદ વીર સપૂતને પુષ્પાંજલી અર્પી
છત્તીસગઢમાં બે દિવસ પૂર્વે નક્સલવાદીઓ સાથેની અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને સીઆરપીએફના કોબ્રા કમાન્ડો મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને ગોળી વાગી જતાં વીરગતિ પામ્યા હતા. શહીદનો પાર્થિવદેહ ગત રોજ મોડી રાત્રે ભાવનગર લવાયા બાદ આજે વહેલી સવારે તેમના માદરે વતન દેવગાણા ગામે અંતિમવિધિ માટે લવાયો હતો. જો કે, શહીદના પાર્થિવ દેહને ભાવનગરથી દેવગાણા લઈ જતી વેળાએ રસ્તામાં લોકોએ ઠેર-ઠેર અશ્રુભિની આંખે વીર જવાનને શ્રધ્ધાંજલી આપી હતી.જયારે, પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચતા જ પરિવારના હૈયાફાટ રૂદનથી ગામ આખું હિબકે ચડયું હતું. જ્યારે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી,ભાવનગર કલેક્ટર, એસ.પી.,ધારાસભ્ય,રાજકીય-સામાજિક આગેવાનોએ હાજર રહી માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામનાર મેહુલભાઈને પુષ્પાંજલી આપી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. જ્યારે શહીદની યાત્રામાં તિરંગા લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ સીઆરપીએફના જવાનોએ સૈન્ય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ વીર સપૂત મેહુલભાઈની દફનવિધિ કરી ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી હતી.