Gujarat

ચરેડી - પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ

By GS TEAM
3 Oct 20253 mins read
ચરેડી - પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ

દાયકાઓ સુધી દબાણોને નજર અંદાજ કરવામાં આવ્યા બાદ

સાડી ચારસો પોલીસના કાફલાની સુરક્ષા સાથે ૩૦ જેસબી૨૦ ડમ્પર અને ૩૦ ટુકડીઓ મેદાને ઉતારાઇ હતી ઃ ખુલ્લી થયેલી જગ્યા ફરતે ફેન્સિંગ બાંધવાનું શરૃ

ગાંધીનગર :  ગાંધીનગરમાં લાંબા અરસા સુધી દબાણોને નજર અંદાજ કરાયાં બાદ આખરે પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકાએ દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે. શુક્રવારે ચરેડી અને પેથાપુર સહિતના ચાર સાઇટના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ હતી. જેમાં તોડેલા દબાણોના બાકી રહેલા ઇમલા જમીન દોસ્ત કરી દેવાયા હતાં. ૪૫૦ પોલીસના કાફલાની સુરક્ષા સાથે ૩૦ જેસબી, ૨૦ ડમ્પર અને ૩૦ ટુકડીઓ મેદાને ઉતારીને આખરે ખુલ્લી થયેલી જગ્યા ફરતે ફેન્સિંગ બાંધવાનું શરૃ કરી દેવાયુ હતું.

પાટનગર યોજના વિભાગનાં સતાવાર સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે ચરેડી છાપરા વિસ્તાર, પેથાપુર, સંજરી પાર્ક અને સ્મશાન નજીકના વણઝારા વાસમાં મળીને કુલ ૭૫૦ ઉપરાંત દબાણો સંયુક્ત ઓપરેશન દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતાં. ઓપરેશન વખતે કાચા પાકા દબાણોને સ્વાભાવિક રીતે મુળમાંથી દુર કરવામાં આવ્યા હોતા નથી. સાઇટ્સ પર વિવિધ સ્થળે પાકાં દબાણોના કિસ્સામાં ક્યાંક દિવાલો ઉભી રહી ગઇ હોય અથવા ક્યાં છત લટકતી હાલતમાં રહી ગયાની સ્થિતિ રહેતી હોય છે. આવા દબાણોમાં જોકે વસવાટ થઇ શકે તેવી પરિસ્થિતિ રહેવા દેવામાં આવતી હોતી નથી. શુક્રવારે ઉપરોક્ત ચાર સાઇટ પર ફરીવાર કાફલો ઉતારવામાં આવ્યો હતો. તેમાં સુરક્ષાના પ્રશ્નો ઉભા ન થાય તેના માટે પોલીસ કુંમક બોલાવાઇ હતી. ૨ ડિવાયએસપી અને ૧૦ પોલીસ ઇન્સપેક્ટર, ૩૦ સબ ઇન્સપેક્ટર ઉપરાંત મહિલા સહિત ૪૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા બાદ તોડવાના બાકી રહેલા ઇમલાને પણ ખસેડવા માટે ૩૦ ટુકડીઓને કામે લગાડાઇ હતી. તેમાં ૩૦ જેસીબી મશીન અને ૨૦ બુલડોઝર સામેલ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ પુરી કરવાની સાથે ખુલ્લી થયેલી સરકારી જમીન ફરતે તાર ફેન્સિંગ લગાડવાની કામગીરી શરૃ કરી દેવાઇ હતી.

દબાણકારો તાર ફેન્સિંગ કાઢી નાંખતા હોવાથી પ્રિકાસ્ટ વોલ પણ ઉભી કરાશે

શુક્રવારે ફાઇનલ ડિમોલીશન કરવામાં આવ્યું તેની સાથે ખુલ્લી થયેલી સરકારી જમીન ફરતે તારની ફેન્સિંગ લગાડવાની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી હતી. પરંતુ પાટનગરમાં દબાણકારો દ્વારા તાર ફેન્સિંગમાં બાકોરાં કરીને અથવા ફેન્સીંગને કાઢી નાંખીને ફરીવાર ઘુસણખોરી કરી દેવામાં આવતી હોવાના કડવા અનુભવો વિવિધ તંત્રને એકથી વધુ ખત થઇ ચૂકેલા છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં જરૃર જણાયે આ જગ્યાની ફરતે પ્રિકાસ્ટ વોલ ઉભી કરવા સંબંધે પણ વિચારણા કરાઇ છે. સેક્ટર વિસ્તારમાં હાલ આ પ્રકારે કમ્પાઉન્ડ વોલ્સ બાંધવામાં આવે છે.

 રૃપિયા ૧૨૦૦ કરોડ ઉપરાંત કિંમતની જમીન પર જામેલા દબાણો ખસેડાયાં

સ્થાનિક તંત્રો દ્વારા પેથાપુર અને ચરેડી વિસ્તારમાં રહેણાંક સહિતના હેતુ માટે કિંમતી સરકારી જમીન દબાવી લેનારાઓને નોટિસ આપીને તેમને સરકારી તંત્રો દ્વારા જમીન ફાળવવામાં આવી હોય તો તેના સંબંધેના અધિકૃત દસ્તાવેજો રજુ કરવા જણાવતી નોટિસો અપાઇ હતી. પરંતુ આધાર રજુ નહીં થવાના પગલે દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. જે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તેનું કુલ ક્ષેત્રફળ સવા લાખ ચોરસ મીટર જેટલું થવા જાય છે અને આ જમીનની બજાર કિંમત ગણવામાં આવે તો ૧૨૦૦થી ૧૩૦૦ કરોડ ઉપરાંત થવાનો અંદાજ મુકાયો છે.