આઈપીએસ બનાવી દેવાની લાલચે છળ કરનારનું કારસ્તાન
પાંચ દિવસના રિમાન્ડ પર, બીજી જગ્યાએ પણ છેતરપિંડી કર્યાની શંકાઃ બીજા આરોપી હરી ગમારાની શોધખોળ
રાજકોટ: રાજકોટ નજીકના નવાગામમાં રહેતા પશુપાલક જીતુભાઈ ગમારાના પુત્ર રાહુલને શરૂઆતમાં પીએસઆઈ બનાવી દેવાનું કહી રૂા. ૧૫ લાખ લીધા બાદ તેમાંથી રૂા. ૧૪ લાખ પરત આપ્યા પછી ડીએસપી બનાવવાના નામે રૂા. ૨.૩૬ કરોડ લીધા બાદ તેમાંથી રૂા. ૮૮ લાખ પરત આપી બાકીના રૂા. ૧.૪૮ કરોડ ઓળવી જનાર પાલીતાણાના ફિલ્મ પ્રોડયુસર વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણ દવેને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ પાંચ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી વિવેક ઉર્ફે વિક્કી આઇપીએસ ઓફિસર બનીને ફરતો હતો. ૨૦૨૨ની સાલમાં દ્વારકા ખાતે ભરવાડ સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તે આઈપીએસ ઓફિસર બની અતિથિ વિશેષ તરીકે પહોંચ્યો હતો. તે વખતે તેની સાથે કમાન્ડો પણ હતા. તેણે ભાષણ પણ આપ્યું હતું.
આ રીતે આઈપીએસ ઓફિસરનો સ્વાંગ રચી તેણે બીજે ક્યા-ક્યા છેતરપિંડી કરી છે તે અંગે પણ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. અન્ય જગ્યાએ પણ ઠગાઇ કર્યાની ક્રાઇમ બ્રાંચને હાલ માહિતી મળી છે. જો કે હજુ સુધી તેની પાસેથી ક્રાઇમ બ્રાંચ ઠગાઇની રકમ કબજે કરી શકી નથી. આ કેસમાં બીજો આરોપી હરી ગમારા હજુ હાથમાં આવ્યો નથી. ક્રાઇમ બ્રાંચ તેની શોધખોળ કરી રહી છે. તે ઝડપાયા પછી બીજા નવા ખુલાસા થવાની શક્યતા છે.


