Get The App

નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ 1 - image


- 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ઝડપાયું

- આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના સાયબર ફ્રોડના નાણાં નડિયાદના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રોકડા ઉપાડી લેવાનું કૌભાંડ : 50 હજાર ઉપાડીને આપતા ખાતા ધારકને રૂપિયા 500 કમિશન 

નડિયાદ : નડિયાદ સાયબર ક્રાઇમ અને શહેર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ હાથ ધરેલી તપાસમાં આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના સાયબર ફ્રોડના નાણાં નડિયાદના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રોકડા ઉપાડી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પાસેથી ખાતા ધારકની વિગતો મંગાવી તપાસ કરતા સમગ્ર ફાંડો ફૂટયો હતો. આ મામલે પોલીસે બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડીને કમિશન મેળવતા ખાતા ધારક સહિત ચાર શખ્સો સામેે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ શહેર પોલીસ મથકે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત ચાર વ્યક્તિઓ સામે ઓનલાઈન છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક પાસેથી આદિલ યુફુસ ચાવડાના નામે નોંધાયેલા એકાઉન્ટની વિગતો મંગાવવામાં આવી હતી. એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ એકાઉન્ટનો ઉપયોગ આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં થયેલી નાણાકીય છેતરપિંડીના રૂપિયા જમા કરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જ્યારે ખાતાધારકની પૂછપરછ કરી ત્યારે આખું નેટવર્ક સામે આવ્યું હતું. ખાતાધારક આદિલ ચાવડાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, અરકાન હુસેન ચાવડા તેને દેવ સ્વપ્નીલ પટેલ પાસે લઈ ગયો હતો. દેવ પટેલે તેને લાલચ આપી હતી કે જો તે પોતાના ખાતામાં ૫૦,૦૦૦ રૂપિયા જમા કરાવીને રોકડા ઉપાડી આપશે તો તેને કમિશન આપવામાં આવશે. અરકાન પાસે પોતાનું બેંક ખાતું ન હોવાથી આદિલે પોતાનું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનું ખાતું અને ચેકબુક દેવ પટેલને આપી દીધા હતા. ત્યારબાદ માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિ દ્વારા તારીખ ૨૭-૦૫-૨૦૨૫ના રોજ આ એકાઉન્ટમાં ૫૦,૦૦૦ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.

આદિલે બેંકમાં જઈને સેલ્ફ ચેક દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા રોકડા ઉપાડીને અરકાનને આપ્યા હતા, જે નાણાં અરકાને દેવ સ્વપ્નીલ પટેલને પહોંચાડયા હતા. અંતે દેવ પટેલે આ રકમ માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિને સોંપી હતી અને આદિલને કમિશન પેટે ૫૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે, દેવ પટેલ અને માર્કો વોટ્સએપ નંબર ધરાવતી વ્યક્તિએ અંકીત મહેન્દ્ર તળપદા નામના અન્ય એક શખ્સના બેંક એકાઉન્ટનો પણ સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવા માટે આ જ રીતે ઉપયોગ કર્યો હતો. સમગ્ર મામલે નડિયાદ શહેર પોલીસે આદિલ યુફુસ ચાવડા, અરકાન હુસેન ચાવડા, દેવ સ્વપ્નીલ પટેલ અને વોટ્સએપ નંબરના ધારક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :