વડોદરા, તા.7 વડોદરા નજીક નેશનલ હાઇવે પર વેમાલી પાસેની એક હોટલમાં રાત્રે જમવા બાબતે હોટલના કર્મચારીઓ તેમજ વેમાલી ગામના યુવાનો વચ્ચે ઉગ્ર ઝઘડો અને પથ્થરમારો થયો હતો જેમાં અડધો ડઝન જેટલી વ્યક્તિઓને ઇજા થઇ હતી.
વેમાલી પાસે નેશનલ હાઇવે પર આવેલી ફૌજી ધાબા નામની હોટલના કર્મચારી અજીતકુમાર દુર્ગાદાસ શર્મા (રહે.વેમાલી મૂળ હિમાચલ પ્રદેશ)એ વેમાલી ગામના ધર્મેશ ઉર્ફે મેલો જયંતિ પરમાર, હિતેશ જીતેન્દ્ર પરમાર તેમજ અન્ય ૨૦ લોકો સામે મંજુસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૪ના રોજ સાંજે સાત વાગે ધર્મેશ અને હિતેશ બંને હોટલ પર જમવા માટે આવ્યા હતાં. તે દિવસે રવિવારના કારણે ગ્રાહકો વધુ હોવાથી બધા ટેબલો ફૂલ હતા જેથી ધર્મેશને નામ લખાવવાનું કહી નંબર આવે એટલે જાણ કરવાનું કહેતા ધર્મેશે ઉશ્કેરાઇને મારો નંબર જલદીથી લગાવી દો, નહીતર તમારો નંબર લાગી જશે તેમ કહી ઝઘડો કર્યો હતો અને સ્ટાફ સાથે સામાન્ય મારામારી કરી તેઓ બંને જતા રહ્યા હતાં.
રાત્રે ૧૧ વાગે અમો હોટલ બંધ કરી જમવા બેઠા હતા ત્યારે ધર્મેશ તેમજ હિતેશ અને અન્ય ૨૦નું ટોળું પાઇપો તેમજ લોખંડની પાઇપો લઇને આવી છૂટા પથ્થરો મારી અમોને માર માર્યો હતો. આ હુમલામાં મને તેમજ દસરાજ શર્મા, વિકાસકુમાર ઠાકુરને ઇજા થઇ હતી. ટોળાના માણસોએ કારનો કાચ પણ તોડી નાંખ્યો હતો.
સામા પક્ષે વેમાલીમાં રહેતા વનરાજ ઉર્ફે તોતો અનોપસિંહ ચૌહાણે ફૌજી ઢાબાના કર્મચારીઓ અજીતકુમાર શર્મા, દેસરાજ શર્મા અને વિકાસ ઠાકુર સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે મે તેમજ મારા મિત્રોએ જમવાનું નક્કી કર્યુ હોવાથી અમો ધાબા પર ગયા હતા ત્યારે ધાબાના માલિક અજીતકુમાર શર્માએ અપશબ્દો બોલી તમો વેમાલીવાળા બધા ધર્મેશનું ઉપરાણું લઇને કેમ ફરી આવ્યા છો તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન કર્મચારીઓએ પથ્થરો મારી ચમચાથી હુમલો કરતાં મને તેમજ અન્ય બેને ઇજા થઇ હતી. મંજુસર પોલીસે બંને પક્ષોની ફરિયાદ મુજબ વધુ તપાસ હાથ ધરી છે.


