મકરપુરા ડેપો પાસે વાહન અકસ્માતના મુદ્દે મારામારી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓ ઓળખાયા
વડોદરાવાહન અકસ્માતના મુદ્દે મકરપુરા ડેપો પાસે થયેલી અથડામણમાં પોલીસે ગુનો દાખલ કરી ચાર લોકોને ઝડપી પાડયા છે.
પોલીસ કંટ્રોલ તરફથી મકરપુરા પોલીસને મેસેજ મળ્યો હતો કે, મકરપુરા બસ ડેપોના ગેટ પાસે કેટલાક લોકો ઝઘડો કરે છે. જેથી, પોલીસે ત્યાં પહોંચી ત્યારે આરોપીઓ ભાગી ગયા હતા.જેથી, પોલીસે આરોપીઓની તપાસ શરૃ કરી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.જેના આધારે પોલીસે તપાસ કરતા મોપેડ અને બાઇક અથડાવવાના કારણે અજય કુર્મી (રહે. માણેજા) તેની સાથેના અન્ય છ થી સાત લોકો તથા સામા પક્ષે સૂરજ બિંદ (રહે. ઇન્દિરા નગર), સિદ્ધાર્થ મહંતો અને તેની સાથેના એક વ્યક્તિના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેથી, પોલીસે ગુનો દાખલ કરી (૧) અજયકુમાર યોગેન્દ્રસિંગ કુર્મી (રહે. જય ભોલે નગર, માણેજા) (૨) સૂરજ રામમૂરત બિન્દ (રહે. શિવ શક્તિ નગર, મકરપુરા ડેપો પાછળ, મકરપુરા) તથા (૩) વિશાલકુમાર ડાહ્યાભાઇ રોહિત (રહે. શિવરામ નગર, કોતર તલાવડી, માંજલપુર) તથા એક સગીરને ઝડપી પાડયા છે.