રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો
ભરૂચના રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા અંગેની તકરારમાં પાડોશીઓ લોખંડની પાઇપ અને ચાકુ જેવા હથિયારો સાથે ઝઘડતા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બને પક્ષની ફરિયાદોના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે સાત શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રહાડપોર ગામે રહેતા વેપારી સુહેલ ઈસ્માઈલ ઈશાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા .2 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ગામમાં રહેતી સમીરાબાનુ સૈયદએ મને ફોન કરી જણાવ્યું હતું કે, મારા ઘરની બાજુમાં રહેતો શોયેબ શેખ, તેના પિતા મકસુદ શેખ તથા તેનો ભાઈ મારા ઘરે આવી તારા અને મારા અફેર વિશે ખોટી વાતો કરી ઝઘડો કરે છે. જેથી મે મારા મિત્ર સુહેલ પટેલ સાથે સમીરાબાનુના ઘરે પહોંચ્યો હતો. અને ત્રણેય પિતા પુત્રને સમજાવ્યા હતા કે, મારે સમીરાબાનુ સાથે કોઈ પ્રેમ સંબંધ નથી. આ દરમ્યાન મકસુદએ મારી ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરતા હું લોહી લુહાણ થઈ ગયો હતો. શોયેબ અને તેના ભાઈએ મને ગડદાપાટુનો માર માર્યો હતો.હાલ સિવિલ હોસ્પિટલ ખાતે હું સારવાર હેઠળ છું. જ્યારે મકસુદ અહેમદ ઈબ્રાહીમ શેખની ફરિયાદ હતી કે, અમારા ઘરની પાછળ રહેતા સમીરાબાનુનીમાં માનસિક અસ્વસ્થ છે. તેમની માં અવારનવાર ઘરના પાણીના નળ ચાલુ રાખતા હોય તેના કારણે અમારી ડ્રેનેજ લાઈન ચોકસપ થાય છે. ગઈકાલે રાત્રે તેમની માતાએ ફરી પાણીના નળ ચાલુ રાખ્યા હોય મારી પત્ની સમીરાબાનુને કહેવા જતા બોલાચાલી થઈ હતી. જેથી સમીરાબાનુએ સુહેલને ફોન કરતા થોડીવારમાં સુહેલ સાથે અન્ય બે શખ્સો આવી પહોંચ્યા હતા અને સુહેલે અચાનક આવેશમાં આવી મને પેટમાં ચાકુનો ઘા મારી દેતા ગંભીર ઇજા પહોંચી છે. મારો પુત્ર સોયેબ મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથ અને પગના ભાગે ચાકુના ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેની સાથેના અન્ય બે શખ્સોએ અમને ગડદાપાટુનો માર માર્યો હતો. મને તથા મારા પુત્રને ચાકુના ઘા વાગ્યા હોય અમને લોહીલુહાણ હાલતમાં સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉપરોક્ત ફરિયાદોના આધારે પોલીસે ત્રણેવ પિતા પુત્ર તથા સુહેલ ઈશા, સમીરા બાનુ તથા અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.