જામનગરમાં બે જૂથ વચ્ચે ફરીથી ઝઘડો થયો અને મારામારીમાં પરિવર્તિત થયો : છરી-ધોકા વડે હુમલામાં બંને પક્ષે ત્રણને ઇજા
Jamnagar : જામનગરમાં સીદી બાદશાહના જમાતનો ઝગડો ફરીથી સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે સિદી જમાતની ઓફિસમાં મોહરમના તહેવારને લઈને ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ચાર શખ્સોએ આવીને હંગામો મચાવ્યો હતો, અને બે યુવાનો પર છરી-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી દઇ લોહી લુહાણ કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જ્યારે હુમલાખોર પૈકીના એક શખ્સ પણ ઘાયલ થયો છે. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના સીદી બાદશાહ જમાતના વર્તમાન પ્રમુખ ઈકબાભાઈ પીરભાઇ કોન્ટ્રાક્ટર (67 વર્ષ) કે જે હોય સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ અનવર હુસેન બકરીવાલા તથા મહમદભાઈ વજુગરા તથા અખ્તર ઇશાકભાઈ મીયાવા તથા સલીમ હારૂનભાઈ મીયાવા સિદી જમાતની ઓફીસ કે જે લંઘાવાડના ઢાળીયા પાસે આવલી છે ત્યા મહોરમના તહેવાર માટે ફાળો લેવા માટે બેઠેલા હતા, દરમિયાન પોતાની જમાતના પુર્વ સેક્રેટરી અખ્તર ઉર્ફે મુનીયો બાદશાહ, ઈસ્માઈલભાઈ વર્ગીડા તથા મોયુનુદ્દીન ઉર્ફે મોઈલો તથા તેની સાથે બે અજાણ્યા ઇસમો આવેલા હતા. જેમાં અખ્તર ઉર્ફે મુનીયો પાસે લોખંડની કોસ હતી જે કોસનો ટેબલ પર ઘા કર્યો હતો.
ત્યારબાદ અનવર હુંસેન પર ઘા કરવા જતા અનવર હૂસૈને કોસ ઝટી લીધી હતી. જેથી મુનીયાએ પોતાના નેફામાં રહેલ છરી કાઢીને છરીનો એક ધા અનવર હુસેનને જમણા હાથમાં મારતા જમણા હાથમાં ઇજા થઈ હતી. જ્યારે અનવર હૂસેનની બાજુમાં બેસેલ હાજી મહમદભાઈ વજુગરા વચ્ચે છોડાવવા જતા આ અખ્તર ઉર્ફે મુન્નીયાએ છરી વડે હાજી મહમદને છરીનો એક ઘા મારેલ હતો. દરમ્યાન ઝપાઝપી થતાં અખતર ઉર્ફે મુનીયાનો પગ સ્લીપ થવાથી ઓફીસના દરવાજાના મેઇન કાચમાં અખ્તર ઉર્ફે મુનીયાનુ માથું ભટકાતા કાચ તુટી જતા મુનીયાને પણ માથાના ભાગે ઇજા થયેલ હતી, ઉપરાંત તેની સાથે આવેલા બે સાગરીતો એ પણ હંગામો મચાવી હુમલો કર્યો હતો. આખરે તમામ ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે મામલે ઈકબાલભાઈ સીદી બાદશાહ દ્વારા ચારેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એમ.વી.મોઢવાડિયાએ ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.