લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ધક્કો વાગ્યા બાદ બોલાચાલી થઈ અને મારામારી
એક વિદ્યાર્થીનો દાંત તૂટ્યો,૩ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો

વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ વધી રહી છે. શહેરની વધુ એક સ્કૂલ લિટલ ફ્લાવર્સમાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક આવેલી લિટલ ફ્લાવર (એમ.કે. નાડકર્ણી) સ્કૂલ ખાતે આજે સવારે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાથી ઉત્તેજના છવાઈ હતી. પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ધોરણ ૯ના વિદ્યાર્થીનો ધક્કો ધોરણ ૧૧ના વિદ્યાર્થીને લાગતા નાના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને વિદ્યાથી વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ સુધી વાત પહોંચી ગઈ હતી. આ ઘટનામાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીનો દાંત તૂટી ગયો હતો જ્યારે ધોરણ ૯ના વિદ્યાર્થીને પણ ઈજા થઈ હતી. શાળાના દાદર પર શરૂ થયેલી આ મારામારી બાદ વિદ્યાર્થીઆ બહાર જાહેર માર્ગ સુધી આવી ગયા હતા.આસપાસના લોકો અને શાળાના સ્ટાફે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડયો હતો. આ બનાવની જાણ થતા ચિંતિત વાલીઓ પણ તાત્કાલિક શાળાએ દોડી આવ્યા હતા. શાળાના સંચાલકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ સામે મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવથી વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી અને શાળાની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊઠ્યા છે


