Gujarat
નાણાની લેવડદેવડ બાબતે પાર્ટી પ્લોટમાં મળેલ સમાધાન બેઠકમાં બિઝનેસમેનો વચ્ચે મારામારી
By GS TEAM
21 Jun 20252 mins read

નાણાની લેવડદેવડ બાબતે પાર્ટી પ્લોટમાં મળેલ સમાધાન બેઠકમાં બિઝનેસમેનો વચ્ચે થયેલી મારામારીનો સમગ્ર મામલો હવે કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો છે. અમદાવાદના બિઝનેસમેનએ 54 લાખની રકમ ચૂકવી પેઢી ખરીદવા છતાં પેઢી અથવા ઇન્વેસ્ટ કરેલ રકમ પરત ન મળી હોવાનું જણાવી તે પેઢીના ભાગીદારે ભાણીયા સાથે મળી હુમલો કર્યા અંગેની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ ખાતે રહેતા દિવ્યેન વસંતરાય રાયઠા અમદાવાદ ખાતે કંપની ધરાવી એગ્રીકલ્ચર પ્રોડક્ટનો હોલસેલમાં વેપાર કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, રાજકોટ ખાતેની ભૂપ્તાણી એસોસીએટેડ કંપની મારા કૌટુંબીક કાકા કેતનભાઇ મગનભાઈ ઠક્કર ભાગીદારીમાં ચલાવે છે. અને તેઓના ભાગીદાર તરીકે કેતનભાઇના મામા રમેશભાઈ અમૃતલાલ ભૂપ્તાણી હતા. રમેશભાઈએ વર્ષ 2018 માં આ કંપની વેચાણ અર્થે કાઢી હતી પરંતુ વેચાણ થઈ ન હતી. જેથી રમેશ ભાઈએ તેમના ભાણા કેતનભાઇ પાસેથી દોઢ કરોડ રૂપિયા લીધા હતા. જે નાણા કેતનભાઇ તેમના મામા રમેશભાઈ પાસે અવારનવાર માંગતા હતા. જેથી મેં રમેશભાઈની પેઢી ખરીદ કરી ભૂપ્તાણી એસોસીએટેડ કંપનીને રૂ. 54 લાખ આરટીજીએસ કર્યા હતા. પરંતુ હાલ સુધી મને પેઢી મળી નથી તેમજ ચૂકવેલ નાણા પણ પરત આપ્યા નથી. વર્ષ 2023માં રમેશભાઈનું અવસાન થતાં કેતનભાઇએ તેમના મામા રમેશભાઈને જે પૈસા આપ્યા હતા તે પૈસા કેતનભાઇ મારી પાસેથી પરત માંગતા હતા. પરંતુ આ બાબતે મારી અને કેતનભાઇ વચ્ચે નાણાંની કોઈ લેતી દેતી થઈ ન હતી. ગઈ તા. 1 મે ના રોજ આજવા ચોકડી પાસેના ભાઈકાકા પાર્ટી પ્લોટમાં નાણાના હિસાબ બાબતે સમાધાન બેઠક રાખી હતી. જેમાં અમે તમામ પુરાવા રજૂ કરતા અમારે કેતનભાઇને કોઈ નાણાં ચૂકવવાના રહેતા નથી તેવું જણાઈ આવતા કેતનભાઇ અચાનક ઉશ્કેરાઈ જઈ આપ શબ્દો બોલી મારામારી કરી હતી. તે સમયે કેતનભાઇ નો ભાણો ભાવિક અશોકભાઈ ગઢીયાએ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો.









