ટેસ્ટ ઓફ વડોદરામાં તકરાર બાદ સમાધાન દરમ્યાન મારામારી, 14 વિરુદ્ધ ગુનો નોંધાયો
Vadodara Crime : ટેસ્ટ ઓફ વડોદરામાં થયેલી તકરારના સમાધાન માટે સુરસાગર તળાવ ખાતે એકત્ર થયા બાદ બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થતા સામસામી ફરિયાદના આધારે રાવપુરા પોલીસે 14 વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
નવાપુરા વિસ્તારમાં રહેતો વ્રજ પંચાલ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે ગોત્રી ખાતે ટેસ્ટ ઓફ વડોદરામાં પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21 મે ના રોજ ટેસ્ટ ઓફ વડોદરા ખાતે મારો ભાઈ જીત પંચાલ શુઝ પહેરી ફોટો બૂથમાં જતા સાથે નોકરી કરતા જેનીલ સિંદેએ મારા ભાઈને બહાર નીકળવા જણાવતા તકરાર થઈ હતી. જેના સમાધાન માટે મોડીરાત્રે સુરસાગર તળાવના હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યાં સાથે નોકરી કરતા ભવ્ય તથા અંજેશ, ચેતન સહિતના શખ્સોએ અમારી ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે બરાનપુરા વિસ્તારમાં રહેતા અને બેંકનું કામકાજ કરતા અંજેશ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ઝઘડાના સમાધાન દરમ્યાન હાર્દિક, વ્રજ સહિતના શખ્સોએ અમારી સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે 14 શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.