થાન આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન બાબતે 2 જુથ વચ્ચે મારામારી
સામસામી મહિલા સહિત ૧૬ વ્યક્તિ સામે ફરિયાદ
મૈત્રી કરારથી લગ્નની અદાવત રાખી પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા
સુરેન્દ્રનગર - થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુઃખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે બંને પક્ષો મહિલા સહિત ૧૬ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
થાન શહેરના આંબેડકનગર-૪ વિસ્તારમાં રહેતા ફરિયાદી મહેન્દ્રભાઈ ભીમાભાઈ જાદવે અમદાવાદમાં રહેતા રમેશભાઈ રાઠોડની દિકરી રંજનબેન સાથે ગત તા.૧૬ મે ના રોજ મૈત્રી કરારથી લગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખી બે શખ્સોએ મહેન્દ્રભાઈને મોબાઈલ પર ધમકી આપી હતી અને અન્ય બે શખ્સોએ મહેન્દ્રભાઈના ઘરે આવી લોખંડનો પાઈપ, લાકડી તેમજ છરી વડે હુમલો કરી તેમની માતાને છરીનો ઘા તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના રંજનબેનને પણ લાકડી તેમજ પાઈપ વડે મારમાર્યો હતો અને ઝપાઝપી દરમ્યાન ફરિયાદીના માતાના ગળામાં પહેરેલ ચેઈન પણ પડી ગયો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે મહેન્દ્રભાઈએ થાન પોલીસ મથકે ૧૨ શખ્સો (૧) સાવનભાઈ જગદીશભાઈ (૨) સંજયભાઈ મલાભાઈ (૩) અલ્પેશભાઈ માલાભાઈ (૪) લાલાભાઈ જીવાભાઈ (૫) જગદીશભાઈ જીવાભાઈ તમામ રહે.ચોટીલા (૬) પાલુબેન મલાભાઈ (૭) ગીતાબેન જગદીશભાઈ (૮) કિશોરભાઈ ખીમજીભાઈ (૯) કોમલબેન કિશોરભાઈ (૧૦) ગુડ્ડીબેન અલ્પેશભાઈ (૧૧) ભગતભાઈ નાનજીભાઈ અને (૧૨) ખીમજીભાઈ ભીમાભાઈ તમામ રહે.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે સામાપક્ષે જગદીશભાઈ જીવાભાઈ છાસીયા (રહે.ચોટીલા)એ ચાર શખ્સો (૧) મહેન્દ્રભાઈ ભીમાભાઈ (૨) અજ્યભાઈ ભીમાભાઈ (૩) કાર્તિકભાઈ ભીમાભાઈ અને (૪) નરેશભાઈ માંડણભાઈ જાદવ (તમામ રહે.થાન) સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ભાણેજ સંજયભાઈની પત્ની રંજનબેન સાથે મૈત્રી કરાર કરવા બાબતે સમજાવવા જતા ચારેય શખ્સોએ છરી, નાની તલવાર, પીવીસી પાઈપ, ધોકા વડે મારમારી ફરિયાદી તેમજ તેમના ભાઈ રવિભાઈ, સંજયભાઈ, બાલુબેન, ગીતાબેન, ફરિયાદીની ભત્રીજી હિનાબેનને માર માર્યો હતો તેમજ સંજયભાઈના ગળામાં પહેરેલો સોનાનો દોરો પણ ઝપાઝપી દરમિયાન પડી ગયો હતો અને મોબાઈલ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.