Get The App

જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓના સગાના બે જૂથ વચ્ચે મારામારી

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓના સગાના બે જૂથ વચ્ચે મારામારી 1 - image


હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ

એકસ-રે વિભાગ પાસે ધડબડાટી બોલતાં અન્ય દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો, સિક્યુરિટી ગાર્ડસ ઘટના સ્થળે ફરક્યા પણ નહીં

જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ  ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. બે દર્દીઓના સગાના જૂથ વચ્ચે  મારામારી થઈ હતી. આ ઘટનાને પગલે અન્ય દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સ ઘટનાસ્થળેથી ગાયબ જોવા મળ્યા હતા.

જીજી હોસ્પિટલના એક્સ-રે વિભાગના મુખ્ય દ્વાર પાસે દર્દીના સગાના બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને બંને પક્ષના યુવાનો વચ્ચે  મારામારી થઈ હતી. આશરે ૧૫ થી ૨૫ જેટલા શખ્સોના આ ટોળાએ  મારામારી કરીને હોસ્પિટલના શાંત વાતાવરણને ડહોળી નાખ્યું હતું. અને તંગદિલી સર્જી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

ઘટનાક્રમ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા માટે જવાબદાર એવા સિક્યુરિટી ગાર્ડ્સ ક્યાંય નજરે પડયા ન હતા.  આ ઘટનાએ હોસ્પિટલની લાખો રૂપિયાના ખર્ચે ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જ્યારે આ બાબતે હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું કે તેમને ઝઘડા અંગે જાણ થતા તાત્કાલિક અસરથી સિક્યુરિટીને પોલીસને બોલાવીને મામલો શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. 

આ સમગ્ર બબાલ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મારામારી અને બુમાબુમના કારણે સર્જાયેલા ગભરાટના વાતાવરણમાં દર્દીઓ  ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના બને અને સુરક્ષાનો સદંતર અભાવ જોવા મળે તે અત્યંત નિંદનીય છે. 

અશોભનીય વસ્ત્રો પહેરલા કર્મીની દર્દીના સગા સાથેની જીભાજોડીનો વીડિયો વાયરલ

જામનગર: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ર્ચાના એરણે રહે છે. તાજેતરમાં જ દવા બારીનો એક કર્મચારી માત્ર ટુંકી ચડ્ડી પહેરીને પોતાની ફરજ પર હોવાનો અને અર્ધનિંદ્રા અવસ્થામાં દર્દીના સગા સાથે દવા આપવા બાબતે જીભાજોડી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. દવા લેવા માટે ગયેલા દર્દીના સગાને દવાબારીના કર્મચારીનો કડવો અનુભવ થયો હતો. 

Tags :